- શ્રીરામ પ્રાગટ્યોત્સવ સાથે ચૈત્રી સામૈયાનો પ્રારંભ થયો
- ઉજવણીની સાથે સાથે દેવોને અન્નકૂટ ધરાવવામાં આવ્યો
- કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા સંતોનો અનુરોધ
વડતાલ: ભગવાન શ્રીહરિએ 240 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના રોજ છપૈયા મુકામે જન્મ ધારણ કર્યો હતો. બુધવારે સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજતા શ્રીધર્મદેવ ભક્તિમાતા, શ્રી વાસુદેવ,શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોરાયજી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રીરાધાકૃષ્ણદેવનો મંત્રાભિષેક કરવામાં આવ્યો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 240માં જન્મ દિવસ નિમિત્તે શ્રીહરિના અંગન્યાસ, કરન્યાસ વગેરે કરીને મંત્રોચ્ચાર સાથે પંચામૃત તથા કેસર જળથી અભિષેક કર્યો હતો.
શ્રીરામ પ્રાગટ્યોત્સવ સાથે ચૈત્રી સમૈયાનો પ્રારંભ
સવારે 11 કલાકે દેવોને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવની આરતી પરંપરાગત રીતે બંધ બારણે કરવામાં આવી હતી. સાથે સાથે 196 વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર ચૈત્રી સમૈયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.