ખેડાઃ કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને રોકવા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ગરીબોને સહાય માટે સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવ્યું હતું. જે અનાજ વિતરણમાં અપૂરતા જથ્થાને લઈ ગરીબ લાભાર્થીઓએ છેતરાયાની લાગણી અનુભવી હતી.
ખેડામાં મફત અનાજ વિતરણમાં અપૂરતા જથ્થાની લાભાર્થીઓમાં રાવ - CoronaVirus Updates
દેશમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને રોકવા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ગરીબોને સહાય માટે સરકાર દ્વારા મફત અનાજ આપવામાં આવ્યું હતું. જે મફત અનાજ વિતરણમાં ખેડા જિલ્લામાં હોબાળો અને ઘર્ષણ જોવા મળ્યું હતું. તેમજ અપૂરતા જથ્થાને લઈ ગરીબ લાભાર્થીઓએ છેતરાયાની લાગણી અનુભવી હતી.
સરકારની જાહેરાતમાં સ્પષ્ટતા ન હોવાને કારણે દુકાનદારોએ બી.પી.એલ કાર્ડ ધારકોને અનાજ આપવાનો ઈન્કાર કરતા હોબાળો સર્જાયો હતો. અનેક દુકાનદારો અનાજનો પૂરતો જથ્થો નહીં મળ્યો હોવાની બૂમો ઉઠવા પામી હતી, ત્યારે જે વસ્તુ ઉપલબ્ધ હતી તેનું જ વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી વસ્તુ આપવાની બાકી રાખી હતી. જેને લઈ ઘર્ષણ પણ થવા પામ્યું હતું, તો અપૂરતા જથ્થાને લીધે ઘર્ષણની શક્યતાને પગલે કેટલાક દુકાનદારોએ વિતરણ જ બંધ રાખ્યું હતું.
સરકાર દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી હોવા છતાં પૂરતો જથ્થો પહોચાડાયો નહોતો, ત્યારે અપૂરતો જથ્થો લઈ રવાના થયેલા તેમજ દુકાન બંધ હોવાને કારણે અનાજ ન મેળવી શકનારા ગરીબ અને જરૂરિયાતમંદો સરકાર દ્વારા એપ્રિલ ફૂલ બનાવવામાં આવ્યા હોવાની લાગણી અનુભવી રહ્યાં છે.