- ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારનો આક્ષેપ
- માત્ર ફરિયાદને આધારે કામ કરવાને બદલે એસીબી જાતે કરવી જોઈએ કાર્યવાહી
- જિલ્લા આયોજન અધિકારી લાંચ માંગતા હોવાનો આક્ષેપ
ખેડાઃ 9 મી ડિસેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જો આ દિવસની સાર્થક ઉજવણી કરવી હોય તો ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવું જરૂરી બન્યું છે. ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યો છે ત્યારે તેની તરફ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. આવો જ કંઈક આક્ષેપ જિલ્લાના મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એસીબીએ માત્ર નાગરિકોની ફરિયાદને આધારે કામ કરવાને બદલે ખરેખર એક્ટીવ બની કામગીરી કરવાની ટકોર કરી હતી.
લાંચ રૂશ્વત વિરોધી દિવસની ઉજવણીઃ ખેડામાં ભ્રષ્ટાચારને મોકળું મેદાન, MLA ઈન્દ્રજીતસિંહ પરમારનો આક્ષેપ ધારાસભ્ય દ્વારા ભ્રષ્ટાચાર અંગે વારંવાર રજૂઆત
ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા વારંવાર જિલ્લામાં ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યો હોવાની રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં જ જિલ્લા આયોજન અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવતી હોવાનો પણ સામાન્ય સભામાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા અનેક વખત જિલ્લામાં પંચાયત વિભાગ, આયોજન વિભાગ, ખાણ ખનીજ વિભાગ તેમજ વન વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હોવાની રજૂઆત પુરાવા સાથે કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે જિલ્લાના કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને અવાર-નવાર જિલ્લાકક્ષાની મીટીંગોમાં પણ રજૂઆત કરી છે. લેખીત પુરાવા રજૂ કર્યા છે. તેમ છતાં કોઇ કાર્યવાહી થતી નથી. ત્યારે લાંચ રૂશ્વત વિરોધી દિવસ ઉજવવો એકમાત્ર દેખાવો હોય તેવું નીવડી રહ્યું છે.
માત્ર ફરિયાદને આધારે કામ કરવાને બદલે એસીબી જાતે કરવી જોઈએ કાર્યવાહી
ઇન્દ્રજીતસિંહ પરમારના જણાવ્યા અનુસાર, જો રાજ્ય સરકાર ખરેખર ભ્રષ્ટાચાર નાબુદ કરવા માંગતી હોય તો એસીબીએ માત્ર નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવાને બદલે ખરેખર અક્ટીવ થવું જોઈએ. ACBની ટીમેે પોતાની રીતે ભ્રષ્ટાચાર ડામવા આગળ આવવું જોઇએ અને કાર્યવાહી કરવી જોઇએ.