ખેડામાં અબોલ જીવ પર અત્યાચાર ખેડા : અવારનવાર અબોલ જીવ પર અત્યાચારના કિસ્સા બનતા હોય છે. ત્યારે માતરના સોખડા ગામમાં ગાયને બાંધી ત્રણ ઈસમો દ્વારા ક્રૂરતાપૂર્વક લાકડીથી માર મારવામાં આવ્યો હતો. આવા કૃત્ય બદલ લોકોમાં ફિટકારની લાગણી ફેલાવા પામી છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ગામના જ GRD જવાનની ફરિયાદને આધારે માતર પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગામ સહિત સમગ્ર પંથકમાં ગૌરક્ષકો સહિતના લોકોમાં આક્રોશ ફેલાવા પામ્યો છે.
ગાયને થાંભલે બાંધી :પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી મુજબ સોખડા ગામમાં રાત્રિના સમયે ગામના કિરણભાઈ પટેલ તબેલા વાળા, યજ્ઞેશ પટેલ અને ધ્રુવ પટેલ ગાયને મારતા-ભગાડતા જુની આંગણવાડીના કંપાઉન્ડમાં લઈ ગયા હતા. જ્યાં લોખંડના થાંભલે ગાયને બાંધી લાકડીઓ વડે ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. ત્યારબાદ ગાયને ટ્રેક્ટરમાં લઈ જઈ ગામની બહાર છોડી આવ્યા હતા.
ગાયને માર મારવાના મામલામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.-- કે.ડી.બારોટ (PSI, માતર પોલીસ સ્ટેશન)
ક્રૂરતાપૂર્વક માર માર્યો :આ ઘટના દરમિયાન ગામમાં રહેતા અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં GRD તરીકે ફરજ બજાવતા શ્રવણ પરમાર હાજર હતા. તેમણે ત્રણેય ઈસમોને ગાયને કેમ મારો છો તેમ કહી માર મારતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે આરોપી ઇસમોએ તમારાથી ન જોવાય તો તમે ઘરે જતા રહો તેમ કહીને ગાયને ટ્રેક્ટરમાં ભરી ગામની બહાર છોડી આવ્યા હતા. આ અંગે GRD જવાનની ફરિયાદને આધારે ગાયને માર મારનાર કિરણભાઈ પટેલ તબેલાવાળા, ધ્રુવ પટેલ અને યજ્ઞેશભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. માતર પોલીસ દ્વારા પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાનો વિડીયો વાયરલ :અબોલ પશુને બાંધી બેરહેમીપૂર્વક ત્રણ ઈસમો દ્વારા માર મારવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થવા પામ્યો છે. જેને લઈ ગૌરક્ષકો સહિત લોકોમાં ત્રણેય નિર્દયી હેવાનો વિરુદ્ધ ફીટકારની લાગણી ફેલાવા પામી છે. ગામ સહિત સમગ્ર પંથકમાં લોકોમાં આક્રોશ ફેલાયો છે. લોકો દ્વારા ત્રણેય સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે.
- ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી
- ડીસામાંથી 227 અબોલ પશુ ભરેલી ટ્રક ઝડપાઈ