- સુપરવાઇઝર દ્વારા હપ્તા માગવામાં આવતા હોવાને લઈ આવેદનપત્ર અપાયું
- સુપરવાઇઝરની બદલી કરવાની માગ
- બદલી ન થાય તો ભૂખ હડતાલની ચીમકી
ખેડાઃ ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સણાલી સેજામાં 11 ગામોની 38 જેટલી આંગણવાડીઓ આવેલી છે. જે દરેક આંગણવાડી બહેનો પાસેથી મહુધા મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા મહિને રૂ.2000 હપ્તાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું બહાર આવવા પામ્યું છે. મુખ્ય સેવિકા કિરણબેન પટેલ દ્વારા રૂપિયા નહી આપનારી બહેનોને નોટિસ આપી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર
આ બાબતે 27 જેટલી આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય ન્યાય માટે બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આજ રોજ નડિયાદ ખાતે મહુધા તાલુકાની આંગણવાડી વર્કરો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.