- કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું અવસાન
- પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ખેડાના પૂર્વ સાંસદ દિનશા પટેલે દુ:ખની લાગણી વ્યક્ત કરી
- અહેમદ પટેલના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન
ખેડા : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું અવસાન થતાં અહેમદ પટેલ સાથે નિકટનો સંબંધ ધરાવતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ખેડાના પૂર્વ સાંસદ દિનશા પટેલે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
અહેમદ પટેલના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન : પૂર્વ સાંસદ દિનશા પટેલ ગુજરાતનો અવાજ દિલ્હી સુધી કોણ પહોંચાડશે
દિનશા પટેલે દુખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહેમદ પટેલના અવસાનના સમાચાર જાણીને અત્યંત દુખ થયું છે. તેમના રાજકીય રીતે દિલ્હીમાં વર્ચસ્વને લઈ ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવામાં ખુબ સરળતા રહેતી હતી. હવે તે અવાજ કોણ પહોંચાડશે તે પ્રશ્ન ઉભો થયો છે.
ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન
દિનશા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી અહેમદ પટેલ સાથે નિકટનો સંબંધ હતો અને એક વડીલ મિત્ર તરીકે મારી સાથે ખૂબ જ આત્મીયતા જાળવતા હતા. ગુજરાતના પ્રાણ પ્રશ્નોની રજૂઆત તેમને ખૂબ સૂઝ અને સમજદારીપૂર્વક પાર્લામેન્ટમાં કરી શકતા હતા. જેનું વજન પણ પડતું હતું. તેમના જવાથી રાજકીય ઉપરાંત સમાજના નબળા વર્ગના લોકોને પણ તેમની ગેરહાજરીની મોટી ખોટ સાલશે. ગુજરાત કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. તેમને જે કામ કર્યુ છે, તેની નોંધ લઈને વિકાસની દિશા તરફ કેમ આગળ વધી શકીએ તેનો વિચાર અહેમદ પટેલના કામમાંથી લેવો જોઈએ.
દિનશા પટેલ આપી શ્રદ્ધાંજલિ
દિનશા પટેલે અહેમદ પટેલના અવસાનનું મને અત્યંત દુઃખ છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને શાંતિ આપે અને કુટુંબીજનો પર જે દુઃખ આવી પડ્યું છે, તેને સહન કરવાની શક્તિ આપે. આ સાથે તેમને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.