ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાના અંદાજે 2000 જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમણે આણંદ કૃષિ યુનિવર્સિટી તેમજ નવાગામ અને સણસોલી સંશોધન કેન્દ્ર ખાતેથી વિવિધ વિષયોના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું. પોતાની આગવી કોઠાસૂઝથી પોતાની ખેતીમાં નવીનતમ પદ્ધતિથી નફો મેળવેલા છે. તેમજ તમાકુની ખેતી છોડી અન્ય પાકો તરફ વળેલા ખેડૂતોએ જાત અનુભવો જણાવ્યા હતા.
નડિયાદ ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનું આયોજન - કૃષિ પ્રદર્શન યોજાયું
નડિયાદ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીવાડી શાખા તેમજ આત્મા પ્રોજેકટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના ખેડૂતોને કૃષિક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અન્ય પ્રગતીશીલ ખેડૂતો કે જેઓ સ્પર્ધાત્મક રીતે વિજેતા થયેલા છે તેઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કૃષિ વિભાગની યોજનાઓ, આત્મા પ્રોજેક્ટ તેમજ ખેડૂત તાલિમ કેન્દ્ર ઠાસરા દ્વારા અમલીકરણ યોજનાઓ વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી.કૃષિ પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉત્પાદક કંપનીઓ બીજ ઉત્પાદક,ફાર્મ મિકેનાઈઝેશન ઉત્પાદકો, રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ગૌણ તત્વોના ઉત્પાદકો,કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ લાઇન ડિપાર્ટમેન્ટના સ્ટોર રાખવામાં આવ્યા હતા. જેથી પ્રત્યક્ષ અનુભવ કરી ખેડૂતો પોતાની ખેતીમાં ઉપયોગ કરી શકે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ ખેડૂતોને કાર્યક્રમ અનુરૂપ તેમજ સરકાર દ્વારા ખેડૂતો માટેની વિવિધ યોજનાઓની અને યશસ્વી કામગીરી અંગેની માહિતી,માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી. જેમાં કૃષિમેળામાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી,ધારાસભ્ય, ખેતીવાડી શાખાના અધિકારીઓ,કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.