- દર શુક્રવાર તેમજ અગિયારસે નીકળે છે સવારી
- સંક્રમણમાં ઘટાડો થતા નીકળી ભવ્ય શોભાયાત્રા
- મંદિરમાં બંધબારણે યોજાતા હતી પ્રતિકાત્મક શોભાયાત્રા
ખેડા : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજી મહારાજની સવારી 303 દિવસ બાદ નગરમાં નીકળી હતી. મહામારી કોરોનાને પગલે સરકારી ગાઇડલાઇન પ્રમાણે ઠાકોરજીની તમામ સવારી બંધ રાખવામાં આવતી હતી. રણછોડરાયજી મંદિરમાં પ્રતીકાત્મક રીતે બંધ બારણે યોજવામાં આવતી હતી. કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થતા ડાકોરના ઠાકોરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી. દિવસો બાદ વાજતે ગાજતે લક્ષ્મીજીને મળવા ભગવાનની સવારી લક્ષ્મીજી મંદિર પહોંચી હતી.
ડાકોરના ઠાકોરની 303 દિવસ બાદ નીકળી સવારી દર શુક્રવાર તેમજ અગિયારસે નીકળે છે સવારી
ડાકોર ખાતે પરંપરાગત રીતે દર શુક્રવાર તેમજ અગિયારસના દિવસે ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જે નજીકમાં આવેલા લક્ષ્મીજી મંદીરે પહોંચી ત્યાં ભગવાન લક્ષ્મીજીને મળે છે. તે પરંપરા કોરોના મહામારીને કારણે અટકી હતી અને મંદિર પરિસરમાં જ બંધબારણે પ્રતિકાત્મક રીતે ભગવાનની વિવિધ સવારી યોજાતી હતી.
સંક્રમણમાં ઘટાડો થતા નીકળી ભવ્ય શોભાયાત્રા
હાલ કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો થતાં 303 દિવસ બાદ ભક્તિપુર્ણ વાતાવરણમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે રણછોડ મહારાજાના નાદ સાથે લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.મહત્વનું છે કે, મહામારીને પગલે ઘણા લાંબા સમય સુધી મંદિર બંધ રહ્યું હતું. તેમજ બાદમાં મંદિર ખુલતા સંક્રમણને પગલે ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ભાવિકોને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવતો હતો. મંદિરના વિવિધ ઉત્સવો અને શોભાયાત્રા બંધ બારણે જ યોજાતા હતા.