ખેડામાં સાસુની હત્યા કરનાર આરોપી ઝડપાયો - મહુધા
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામમાં એક આરોપીએ પોતાની પત્ની અને સાસુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સાસુનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે મહુધા પોલીસે નાસતો ફરતા આ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ખેડાઃ મહુધા તાલુકાના હેરંજ ગામમાં 20મી સપ્ટેમ્બરે પોતાના સાસરિયામાં આવેલા જમાઈ રાકેશ વસાવાએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પત્ની અને સાસુ પર જીવલેણ હુમલો કર્યો હતો. વહેલી સવારે જ્યારે તેની પત્ની અંજનાબેન અને સાસુ મંજુલાબેન સુતા હતા તે દરમિયાન આરોપીએ બંનેના માથા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 20 સપ્ટેમ્બરથી તે નાસતો ફરતો હતો. આરોપી ઠાસરા તાલુકાના સુઈ ગામેથી ઝડપાઈ ગયો હતો. જોકે માથામાં ગંભીર ઈજા પહોંચવાના કારણે સાસુનું સારવાર દરમિયન મોત થયું હતું. જ્યારે આરોપીની પત્નીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મહુધા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.