ખેડા:ખેડા જીલ્લાના નડીયાદના ટુંડેલ ગામે ફાટક નીચે ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન નોકરી કરતો હતો અને બે દિવસ પહેલા જ તે ટુડેલ ખાતે તેની સાસરીમાં આવ્યો હતો. જ્યાં તેનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા હત્યા મામલે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે.
ઝાડીમાંથી મળી આવ્યો મૃતદેહ:નેશનલ હાઈવે બાજુમાં આવેલ ટુંડેલ ફાટક નીચેથી ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે ડીવાયએસપી સહિત પોલીસની વિવિધ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા સંધાણા ગામના પરેશ ગોહેલ નામના યુવાનનો મૃતદેહ હોવાની ઓળખ કરી દેવામાં આવી છે.
યુવાનનું માથું તેમજ કોઈ પુરાવા ન મળ્યા:પોલીસ દ્વારા આ હત્યાનું પગેરૂ શોધવા ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમોને કામે લગાડી છે. જો કે પોલીસને સ્થળ પરથી કે આજુબાજુથી યુવાનનું માથું મળી આવ્યું નથી. તેમજ હત્યા માટે વપરાયેલ કોઈ હથિયાર કે અન્ય કોઈ પુરાવો પણ પોલીસને મળી આવ્યો નથી. કોઈ અન્ય સ્થળે હત્યા કરી મૃતદેહ ઝાડીમાં નાખવામાં આવ્યો હોવાની શક્યતા પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહી છે. ઉપરાંત મૃતકની ઓળખ થતા પોલીસ દ્વારા સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હત્યાનું કારણ તેમજ આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડવા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે.