- નેશનલ લિગલ સર્વિસ ડે નિમિત્તે યોજાઈ રેલી
- નડીયાદ પોલીસના ટીઆરબી જવાનો સહિત રેલીમાં 300 લોકો જોડાયા
- મફત કાનૂની સલાહ-સહાય વિષે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રેલી યોજાઈ
ખેડાઃ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી છેવાડાના નાગરિકો સુધી પહોચે તે હેતુસર સમગ્ર ખેડા જિલ્લામાં જનજાગૃતિ(Public Awareness Rally) અને પ્રચાર-પ્રસારની સઘન અસરકારક કામગીરી થાય તે મુજબના કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે આજરોજ “NATIONAL LEGAL SERVICE DAY”(રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ) નિમિતે મફત કાનૂની સલાહ અને સહાય વિષે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે હેતુસર જિલ્લા ન્યાયાલય નડીયાદ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીમાં 300 લોકો જોડાયા
આ રેલીમાં નડીયાદ પોલીસના ટીઆરબી જવાનો, મેથોડીસ્ટ નર્સિંગ સ્કુલની વિદ્યાર્થીનીઓ, હિન્દુ અનાથ આશ્રમનાં બાળકો, નડીયાદ બાર એસોસિયેશનનાં પ્રમુખ, પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલન્ટીયર તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીયાદના કર્મચારીઓ સહીત કુલ-300 જેટલા લોકો જોડાયા હતા. રેલીનું સમગ્ર સંચાલન, આયોજન-વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદનાં સેક્રેટરી અને જજ આરએલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.