ખેડાઃ જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની સૂચનાથી નોડલ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલા દ્વારા સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના વિરુદ્ધ જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
જે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ખેડા જિલ્લાના સંયોજક પ્રણવ સાગરની નિગરાણી હેઠળ ખેડા જિલ્લાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રો દ્વારા સમગ્ર જિલ્લામાં કોરોના વિરુદ્ધ જન જાગૃતિ અભિયાન 20 જુલાઇથી શરૂ કરવામાં આવ્યું હતું.
તેમાં અત્યાર સુધી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના તાલુકા, નગરના સંયોજકો તથા યુવા કેન્દ્રો દ્વારા ખેડા જિલ્લાના 1 લાખથી વધુ લોકોનો સીધો સંપર્ક કરીને કોરોના વિરુદ્ધ જન જાગૃતિ લાવવાનો એક ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ દ્વારા પણ સહકાર મળેલો હતો. તેમજ ગામના યુવાનો સાથે સંવાદ કરી કોરોનાથી બચવાના ઉપાયોની જાણકારી આપી યુવાઓને તાલિમ આપવામાં આવી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા દ્વારા કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના સંયોજકોને આ અભિયાનની વિસ્તૃત માહિતી આપી તાલિમ આપવામાં આવી હતી.