ખેડાઃ એન.ટી.ઈ.પી પ્રોગ્રામ હેઠળ જિલ્લા ક્ષયકેન્દ્ર નડિયાદ દ્વારા ટી.બી.ફોરમની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કલેક્ટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામા યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટર દ્વારા ખેડા જિલ્લામાં ટી.બીના દર્દીઓ માટે અપાઈ રહેલી સેવા સહિત ઉપલબ્ધ સાધનો, દવાઓ તથા ક્ષય પોષણ સહાય યોજના અંગેની જાણકારી મેળવી આગામી વર્ષ 2025 સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટી.બી નાબૂદી અંગે ઘડી કાઢવામાં આવેલી કાર્ય યોજનાની જાણકારી આપી હતી.
નડિયાદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ટી.બી.ફોરમની બેઠક યોજાઈ ખેડા જિલ્લામાં જિલ્લા ટી.બી ફોરમની રચના કરવા બાબતની યોજાયેલી આ અગત્યની બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન આપતા કલેક્ટરે ખેડા જિલ્લામાંથી ક્ષયરોગને દેશવટો આપવા માટે પરસ્પર સંકલન અને સહયોગ સાથે પરિણામલક્ષી કામગીરીની હિમાયત કરી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એન.દેવ દ્વારા ક્ષયરોગ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવવા અર્થે અસરકારક પ્રચારકાર્ય ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે સમાજમાંથી ક્ષયરોગના છુપા દર્દીઓને શોધી તેમને શ્રેષ્ઠ સારવાર અને સુશ્રુષા પૂરી પાડી અન્ય દર્દીઓને પણ આ બાબતે પ્રોત્સાહિત કરવાની હિમાયત કરી હતી.
આ બેઠકમાં ખેડાના TDO ડૉ.આર.બી.કાપડિયા દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટી.બી રોગ અંગેની આંકડાકીય જાણકારી સહિત દર્દીઓને અપાતી સારવાર અને સહાય બાબતની વિગતો આપી ફોરમનાં નિયુક્ત સભ્યોને પરસ્પર સંકલન તથા સહયોગની ભાવના વ્યક્ત કરી હતી. જેમાં નડિયાદ તાલુકાના ટી.બી ચેમ્પિયન તેમજ ફોરમના તમામ સભ્યો અને જિલ્લા ક્ષયકેન્દ્ર નડિયાદનો સ્ટાફ હાજર રહ્યો હતો.