જિલ્લામાં ધો-૧૦ પાસ કરેલા વિદ્યાર્થીઓને પોતાની જ શાળામાં પ્રવેશ મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં રસ્તાના કામ હાથ ધરવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા પથ હેઠળ નિર્માણ થયેલ રસ્તાઓનું મરામત કામ હાથ ધરવા સંબધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. યાત્રાધામ ડાકોરમાં ટ્રાફિકની સમસ્યાના કામયમી ઉકેલ માટે લાંબા ગાળાનું આયોજન ઘડી કાઢવામાં આવશે. ઠાસરા તાલુકામાં રખિયાલમાં તાત્કાલીક વીજ કનેક્શન પુરા પાડવા તેમણે વીજ તંત્રના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
ખેડાઃ જિલ્લાના નડિયાદ ખાતે કલેક્ટર સુધીર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં મહુધાના ધારાસભ્યએ ખેડા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થયેલ કામગીરી, પીવાના પાણીના પ્રશ્નો, ઘો-૧૧ માં સ્થાનિક કક્ષાએ વિધાર્થીઓને પ્રવેશ, નવિન રસ્તા તેમજ હયાત રસ્તાઓની મરામત અંગેના પ્રશ્ને રજૂ કર્યા હતા.
કલેક્ટરે સાંસદ,ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનો સમય મર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. કલેક્ટર સુધીર પટેલે કૃષિ મહોત્સવ-૨૦૧૯ તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અસરકારક બનાવવા આયોજન ઘડી કાઢવા અધિકારીઓને જણાવ્યું હતું. ખેડા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીને અસરકારક બનાવવા જિલ્લાના ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોએ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, કાળુભાઇ ડાભી, કાંતિભાઇ પરમાર, ઇન્દ્રજીતસિંહ ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર,નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.