ગત બુધવારે કપડવંજમાં એગ્રો બિયારણના વેપારી શ્યામ સામતાણી, તેમની વૃધ્ધ માતા ચંદ્રાબેન સામતાણી અને પત્ની અનિતાબેન સામતાણી ઉપર જીવલેણ હુમલો થયો હતો. જેમાં વેપારી અને તેમની વૃદ્ધ માતાનું મૃત્યુ થયું હતું. વેપારીની પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનેઅમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.જીવલેણ હુમલો કરી હત્યારો ભાગી ગયો હતો. જો કે, વેપારીની ઇજાગ્રસ્ત પત્નીએ હત્યારાની ઓળખ વીરેન્દ્ર હિતેન્દ્રભાઈ ગોહિલ તરીકે આપી હતી.
કપડવંજમાં વેપારી પરિવાર પર જીવલેણ હુમલો, 2ના મોત 1 ઘાયલ
ખેડાઃ જિલ્લાના કપડવંજમાં વેપારીના પરિવાર પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી હતી. વેપારી તેમજ તેની માતાનું મોત નિપજાવવાના મામલામાં સ્થાનિક પોલીસ અને LCBદ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રૂપિયાની લેવડ-દેવડના મામલામાં હુમલો કર્યો હોવાનું આરોપીએ કબૂલાત કરી છે.
સ્થાનિક પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ આગળ વધારી હતી. જેમાં સ્થાનિક પોલીસ અને LCBએ બાતમીને આધારે આરોપીને કપડવંજ મામલતદાર કચેરી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેણે હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યુ હતું અને વેપારીની પત્ની જીવિત રહેતાં તે ભાગી ગયો હતો.
ગુનેગાર વીરેન્દ્ર ગોહિલે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ, મૃતક વેપારી શ્યામ બંસીલાલ સામતાણી પાસે પોતાને 7 લાખની લેવડ દેવડનો હિસાબ હતો. જે વ્યાજ સાથે આપી દેવાનું કહેતાં મૃતક વેપારીએ 16 લાખની માગણી કરતાં મામલો બીચકયો હતો. જેમાંહત્યારા વીરેન્દ્ર ગોહિલે વેપારીના ઘરે જઇ ધોળે દહાડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં શ્યામને બચાવવા પડેલ વૃદ્ધ માતા ચંદ્રાબેન અને પત્ની અનીતા ઉપર પણ ચાકુથી હુમલો કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. વેપારી શ્યામ અને માતા ચંદ્રાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અનિતાબેન હજુ પણ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેની ફરિયાદને આધારે પોલીસે આરોપી વીરેન્દ્રને પકડી જેલ ભેગો કરાયો છે.