બહુચર્ચિત નકલી નોટ કૌભાંડના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. આ ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને સુરતમાં મોટા પ્રમાણમાં નકલી નોટોનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી.
નકલી નોટ કૌભાંડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ સહિત 5ની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ PSI ઝાલાને માહિતી મળી હતી કે, સુરતમાં એક વ્યક્તિ નકલી નોટો આપવા આવવાનો છે. એટલે પોલીસે આરોપીને દબોચવા માટે વરાછા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં આરોપી પ્રતિક ચોવટીયાને 6 લાખ 2 હજારની નકલી નોટો સાથે ધરપકડ કરાઈ હતી.
આરોપી પ્રતિકની પૂછપરછ કરતાં આ કૌભાંડ મોટાપાયે થતું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બીજા 3 વ્યક્તિઓ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ ત્રણેય આરોપી પ્રવીણ ચોપડા, કાળુ ચોપડા અને માધવ વાધુરડેની ધરપકડ કરાઈ હતી. જેમણે પોલીસ તપાસમાં ખેડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી રાધારમણ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાવ્યું હતું.
આ માહિતી મેળવ્યાં બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમ ખેડા જિલ્લાના અંબાવ ગામે પહોંચી હતી. જ્યાં તેમણે રાધાસ્વામીની અટકાયત કરીને 50 લાખની નકલી નોટો અને નોટ છાપવાનું પ્રિન્ટર કબ્જે કર્યુ હતું. હાલ, સુરત ક્રાઈમ બ્રાન્ય સ્વામી રાધારમણની પૂછપરછ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, આરોપીઓ નકલી નોટોનો સપ્લાય પ્રસાદીના બોક્સમાં કરતાં હતાં. જેથી ઘટનાની જાણ કોઈને થઈ નહોતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે કુલ 1 કરોડ 26 હજારમી 2-2 હજારની નકલી નોટો, પ્રિન્ટર અને 6 મોબાઈલ ઝબ્બે કર્યા હતા. આમ, સુરતથી શરૂ થયેલી આ ઘટનાનો છેડો વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી રાધારમણ પાસે આવીને અટકતાં જિલ્લામાં ચકચાર જોવા મળ્યો હતો.
આ ઘટનાનો અહેવાલ મીડિયા દ્વારા બહાર આવતાં જિલ્લામાં સ્વામી રાધારમણ લઈ ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ સંપ્રદાયને લઈ અગાઉ પણ અનેક ગુનાહિત અહેવાલો સામે આવ્યાં છે. જેમાં વધુ ઘટનાનો ઉમેરો થતાં જનાઆક્રોશ જોવા મળી રહ્યો છે.