ખેડા: મહુધા તાલુકાના ગ્રામ પંચાયતના તમામ સરપંચોમાં તાલુકા વિકાસ અધિકારીના જોહુકમીભર્યા વર્તનને લઈને ભારે નારાજગી ફેલાઇ છે. જેને કારણે મંગળવારે તાલુકાના 26 સરપંચોએ નડિયાદ ખાતે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી રજૂઆત કરી રાજીનામા આપ્યા હતાં.
ખેડાના મહુધા તાલુકાના 26 સરપંચોએ આપ્યા રાજીનામા સરપંચોએ જણાવ્યું હતું કે, તમામ સરપંચો પૂરેપૂરી ખંત અને વફાદારીથી ગામની તથા ગ્રામજનોની સેવા કરીએ છીએ અને ગામની બધી બાબતોનું ધ્યાન રાખીએ છે, પરંતુ તાલુકા કચેરીએથી અમોને સહકાર કે જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું નથી અને તાલુકા વિકાસ અધિકારી સરપંચ પર રોફ જમાવે છે. તમને કાયદાનું જ્ઞાન છે? અંગૂઠા છાપ સરપંચ બની બેઠા છો, આવું બધું બોલી પોતાનો દબદબો જમાવવા જાહેરમાં અમારું અપમાન કરે છે.
ખેડાના મહુધા તાલુકાના 26 સરપંચોએ આપ્યા રાજીનામા તેમણે કહ્યું કે, કોઈપણ નાના-મોટા બહાના હેઠળ વિકાસના કામોની ફાઈલો રાખી મુકી બિલો ચૂકવવામાં જાણી જોઈને વિલંબ કરે છે. તાલુકામાં સામાન્ય માણસના કામ થતાં નથી. સરપંચોએ પણ ધક્કા ખાવા પડે છે.
એક બાજુ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લગતા કામો તથા સફાઇ, સેનેટાઈઝેશન લગતા કામો હાલ સરપંચો કરી રહ્યાં છે, તો તેને લગતો જરૂરી ખર્ચ સફાઈ કે સેનિટેશનનો ખર્ચ મને પૂછ્યા વગર કેમ કર્યો તેમ કહી પ્રશ્નો ઊભા કરે છે અને પોતાનો દબદબો જમાવવા માટે એવો રોફ જમાવે જાણે અમે સરપંચો નહીં પણ એમના પટાવાળા છીએ. તેમ સરપંચોએ જણાવ્યું હતું.
વધુમાં રાજીનામા આપતા સરપંચોએ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોનો વહીવટ જાતે જ હાથ પર લઈ લેવા જણાવી તાલુકા વિકાસ અધિકારી સામે સખત નારાજગીને કારણે સામૂહિક રાજીનામું આપ્યું હતું.