નેશનલ હાઈવે નં.48 પરથી વિદેશી દારૂના ટ્રક સાથે 2ની ધરપકડ - NATIONAL HIGH WAY
નડિયાદ: ડિવિઝન સ્ક્વોડ દ્વારા નેશનલ હાઈવે નં.48 પરથી ખેડા પંજાબ હોટલ પાસેથી ભારતીય બનાવટીનો રૂ.26.17 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. દારૂનો જથ્થા તેમજ ટ્રક સહીતના કુલ રૂપિયા 36.21 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
નડિયાદ ડિવિઝન સ્ક્વોડ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી મળ્યા મુજબ રાજસ્થાન પાર્સીંગનો ટ્રક વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી આણંદ તરફ જનાર છે. જેને આધારે નેશનલ હાઇવે નં.48 પર ખેડા પંજાબ હોટલ પર ટ્રક આવતા તેમાં તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીઓના કટ્ટા નીચે રૂપિયા 26 લાખની કિંમતનો 5235 નંગ ભારતીય બનાવટીની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સહીત ટ્રક, 2 મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ રૂપિયા 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બે આરોપીઓને ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.