ખેડા : વડતાલ ધામમાં 194મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષાપત્રી ગ્રંથને સુવર્ણ પાલખીમાં પધરાવી વાજતે ગાજતે સ્વામિનારાયણની મહામંત્રની ધૂન સાથે યોજાયેલી શોભાયાત્રા હરીમંડપથી સભા મંડપ પહોંચી હતી. તેમજ મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરી અને ગ્રંથને સભામંડપમાં દોરી જવામાં આવ્યો હતો. આ પવિત્ર ગ્રંથને ખાસ મંચ પર પધરાવી ત્યાં પૂજન, પઠન અને અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાર્ષદવર્ય લાલજી ભગતે સંક્ષિપ્તમાં શિક્ષાપત્રીનું રસદર્શન કરાવ્યુ હતું.
વડતાલધામમાં 194મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - Kheda Vadtal Dham
સુપ્રસિદ્ધ વડતાલધામમાં વસંત પંચમી પર્વે શિક્ષાપત્રી મહામહોત્સવની ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ ગ્રંથ શિક્ષાપત્રી જયંતિ ઉજવણી નિમિત્તે શણગાર આરતી, અભિષેક, શોભાયાત્રા, કથા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
![વડતાલધામમાં 194મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી kheda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5899446-thumbnail-3x2-hhh.jpg)
આ ઉજવણી પ્રસંગે સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ મંદિર પરિસરના મધ્યમાં આવેલા ઐતિહાસિક હરિમંડપમાં બેસી 194 વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1882ના મહા સુદ પાંચમ (વસંત પંચમી) ના રોજ સંપ્રદાયના ગૌરવ સમી શિક્ષાપત્રી લખી હતી. તેમજ 212 શ્લોક સાથેની આ શિક્ષાપત્રી સંપ્રદાયના સાહિત્યમાં શિરોમણી અને ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વયં વાણી (આજ્ઞા) સ્વરૂપ છે.
ધર્મશાસ્ત્રોના સારરૂપ આ આજ્ઞાપત્રીમાં ભગવાને સંપ્રદાયના આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો તથા અનુયાયીઓ માટે સંયમ મર્યાદાની પાળ બાંધી છે. શિક્ષાપત્રી એ સંપ્રદાય માટે આજીવન આચાર સહિતા સમાન છે. શ્રી હરિએ ઐતિહાસિક સભા હરિ મંડપમાં બેસી શિક્ષાપત્રી લખી હતી. તે હરિમંડપના દર્શન તથા પઠનનો લાભ મહિલા ભક્તોને વસંત પંચમીના દિવસે આખો દિવસ મળી શકશે.