નડિયાદઃ ખેડા જિલ્લામાં કોરોનાની ઝપેટમાં નડિયાદ શહેરના ભિક્ષુકો પણ આવી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા ક્વોરેન્ટાઈન કરી તેઓને શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્યાર સુધીમાં 102 ભિક્ષુકોને આ જગ્યાએ ખસેડાયા છે. જ્યાં પુરુષો અને મહિલાઓ માટે અલગ વોર્ડમાં તેમને રાખવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નડિયાદમાં 102 ભિક્ષુકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા - ખેડા ન્યૂઝ
ખેડામાં કોરોનાની ઝપેટમાં ભિક્ષુકો પણ આવ્યા છે. જેથી વહીવટ તંત્ર દ્વારા તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
નડિયાદ શહેરમાં ઠેર-ઠેર ભિક્ષુકો રખડતા હતા. જે તમામને મિશન હોસ્પિટલમાં ઉભા કરાયેલા ખાસ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ખસેડાયા છે. શહેરમાં સૌથી વધુ સંતરામ રોડ, સ્ટેશન રોડ, રેલ્વે સ્ટેશનની આસપાસ તથા અમદાવાદી દરવાજા વિસ્તારમાં તેઓ રખડતું જીવન જીવતા હતા. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા ભિક્ષુકોને પકડી શહેરની મિશન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અત્યાર સુધી 102થી વધુ ભિક્ષુકોને ડિટેઈન કરાયા છે. જેમાં 85 પુરુષો, 16 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની દેખરેખ હેઠળ તેઓને મિશન હોસ્પિટલમાં રખાયા છે.
જ્યાં ભિક્ષુકોને સવારે ચા નાસ્તો આપવામાં આવે છે, તેમજ બપોરે અને સાંજે જમવાનું પૂરું પાડવામાં આવે છે. રહેવાની તથા જમવાની વ્યવસ્થા સાથે કપડાં પણ પૂરા પાડવામાં આવે છે.