ગુજરાત

gujarat

ETV Bharat / state

નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે વર્તમાન સમયમાં મહિલાઓ એકપણ ક્ષેત્રમાં પાછળ જોવા મળતી નથી. એક સમય હતો કે, મહિલાઓ જાહેર જીવનમાં આવીને ફરજ અદા કરવા માટે સંકોચ રાખતી હતી પરંતુ સમય બદલાવાની સાથે મહિલાઓનું સશક્તિકરણ થયું અને તેના પરિણામે આજે મહિલાઓ સમાજ જીવનના દરેક વિભાગમાં અદાથી ફરજ નિભાવતી જોવા મળી રહી છે. ત્યારે ગીર વન વિભાગમાં પણ 70 કરતાં વધુ મહિલા કર્મચારીઓ નાયબ વન સંરક્ષકથી લઇ બીટગાર્ડ સુધીના હોદ્દા પર રહીને પુરુષ સમોવડી બનીને ગાઢ જંગલની વચ્ચે ફરજ અદા કરી રહી છે.

Women Rangers Of The Gir Forest
Women Rangers Of The Gir Forest

By

Published : Mar 8, 2021, 10:06 AM IST

  • આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
  • પુરુષ પ્રધાન માનવામાં આવતી વનવિભાગની ફરજો પણ મહિલાઓ બખુબી નિભાવતી જોવા મળી રહી છે
  • ગીર પૂર્વ અને પશ્ચિમમાં 70 કરતાં વધુ મહિલા કર્મચારી અને અધિકારીઓ જંગલની વચ્ચે બજાવે છે ફરજ
  • આજે વિશ્વ મહિલા દિવસ ગિરની સિંહણ સમી બનીને પોતાની ફરજ નિભાવતી મહિલા કર્મચારીઓ

ગીર: આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી થઇ રહી છે. આજથી વર્ષો પહેલા જાહેર જીવનના ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવીને ફરજ અદા કરવા માટે સંકોચ અનુભવતી હતી સમય બદલાયો અને આજે મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓ જાહેરજીવનમાં પ્રવેશી રહી છે ને પોતાની ફરજ બખૂબી નિભાવી રહી છે.

મહિલા બની પુરૂષ સમોવડી

વર્તમાન સમયમાં બાકી નહિ હોય કે જ્યાં મહિલા કર્મચારી કે અધિકારી પોતાની ફરજ નિભાવતી જોવા મળતી ન હોય. એવા જ એક ક્ષેત્ર એટલે વન વિભાગમાં પણ હવે મહિલા કર્મચારીઓની હાજરી સ્પષ્ટ જોવા મળી રહી છે. એક સમયે વન વિભાગની નોકરી પુરુષ પ્રધાન માનવામાં આવતી હતી 24 કલાકની ફરજ મહિલાઓ સ્વીકારવા માટે પાછી પાની કરતી હતી પરંતુ હવે સમય બદલાયો અને આ જ મહિલાઓ આજે પુરુષ સમોવડી બનીને વન વિભાગમાં પણ 24 કલાક ફરજ બજાવતી જોવા મળી રહી છે.

ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

આ પણ વાંચો:નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા

ગાઢ જંગલની વચ્ચે સતત હિંસક પ્રાણીઓ ની હાજરીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ

ગીર પૂર્વ અને ગીર પશ્ચિમનું જંગલ એશિયામાં એક માત્ર જોવા મળતાં સિંહો માટે વિશ્વપ્રસિદ્ધ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગાઢ જંગલોની વચ્ચે સતત ગીરના સાવજોની ડણકની સાથે મહિલા કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહી છે. પોતાને સોંપવામાં આવેલી ફરજ નિષ્ઠાથી જંગલમા નિભાવતી જોવા મળી રહી છે. વન વિભાગની નોકરી સામાજિક જીવન માટે અનેક મુશ્કેલીઓ ઉભી કરતી ભૂતકાળમાં જોવા મળી છે પરંતુ આ મહિલા કર્મચારીઓ જંગલ ને જ પોતાનો પરિવાર માનીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી રહી છે. તેમની ફરજના ભાગરૂપે સિંહનું રેસ્ક્યુ કરવાનું હોય કે હોય જંગલમાં દાવાનળ જેવી ઘટના વિપરીત પરિસ્થિતિઓમાં આ મહિલા કર્મચારીઓ પણ જંગલના ઉબડ ખાબડ રસ્તા ઉપર ચાલીને ગીરની શાન સમા સિંહનું રક્ષણ કરતી જોવા મળે છે.

આ પણ વાંચો:જલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી

ગીરના સિંહ અને જંગલના રક્ષણની સાથે સામાજિક જવાબદારીઓ પણ આ મહિલા કર્મચારી નિભાવી રહી છે

વન વિભાગમાં કાર્યરત મહિલા કર્મચારીઓ માત્ર ગીર કેસરીના રક્ષણ અને જંગલને બચાવવાની જવાબદારી નથી નિભાવી રહી પરંતુ મહિલાઓ જંગલ વિસ્તારના ખૂણેખૂણા ખૂંદીને અહીં રહેતા માલધારીઓ અને લોકોને પણ ગીરનું જંગલ અને ખાસ કરીને આપણી વૈશ્વિક ઓળખ સમાન સિંહો વિશે માહિતગાર પણ કરી રહી છે. એક દ્રષ્ટિએ જોવા જઇએ તો, આ મહિલા કર્મચારીઓ પશુપાલકોને કેટલાક કિસ્સામાં અભણ લોકોને ગીરનું જંગલ અને વન્ય જીવસૃષ્ટિ વિશે શિક્ષણ પણ આપી રહી છે. સાચા અર્થમાં મહિલા કર્મચારી સિંહોની ઢાલ બનીને કામ કરી રહી છે પરંતુ માનવ અને વન્ય જીવો વચ્ચે બનતા ઘર્ષણના બનાવો અટકાવવા માટે આ મહિલા કર્મચારીઓ જંગલમાં શિક્ષકની ભૂમિકા પણ નિભાવી રહી છે.

આ પણ વાંચો:ગુજરાતી મહિલાનું સાહસ, પોતાની મહેનતથી 4 વર્ષમાં વિશ્વવ્યાપી ઉદ્યોગ શરૂ કર્યો

ગીર પૂર્વ અને પશ્ચિમમાં 70 કરતા વધુ મહિલા કર્મચારી અને અધિકારી નિભાવી રહી છે ફરજ

ગીર પૂર્વ અને પશ્ચિમમાં 70 કરતા વધુ મહિલા અધિકારી અને કર્મચારીઓ આજે તેમની ફરજ નિભાવતા ખડે પગે જોવા મળી રહી છે. જેમાં નાયબ વન સંરક્ષકથી લઈને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટ ઓફિસર અને બીટગાર્ડ જેવા પદો પર આજે મહિલા ચોકસાઈથી અને ખંતપૂર્વક પોતાની ફરજો અદા કરી રહી છે. પરિવારથી સતત દૂર રહીને માનવ વસ્તી વિહોણા પરંતુ ઘેઘુર જંગલોની વચ્ચે આ મહિલાઓ આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી ફરજનિષ્ઠાથી ઊજવી રહી છે. ગીરની સિંહણ સમી આ મહિલા કર્મચારીઓને Etv ભારત તરફથી મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ

ABOUT THE AUTHOR

...view details