જૂનાગઢઃ જિલ્લાના વંથલીમાં ઘરે બેઠા પગાર લેતા કર્મચારીની ફરિયાદના પગલે ઓફિસની મુલાકાત સમય દરમિયાન સાથી કર્મચારીઓએ વિજયાબેન ભાદરકાને ઓળખતા જ ન હોવાની કબુલાત કરી હતી. જ્યારે અન્ય કર્મચારીઓએ આ બેનના બદલે એક યુવક કામ કરતો હોવાની કબુલાત આપી હતી. ત્યારે મિડિયાએ મસ્ટર ક્લાર્કને હાજરીપત્રક બતાવવા કહેવામા આવતા આ ક્લાર્કે પણ મિડિયા સમક્ષ હાજરી પત્રક બતાવવા ઇનકાર કરી મિડિયાને જણાવ્યુ હતુ કે, હું હાજર થયો ત્યારથી આ બેન નોકરી પર આવતા ન હોવાનુ સ્વિકારી હાજરીપત્રક બતાવવાની પોતાની મજબુરી રજૂ કરી હાથ ખંખેરી લીધેલ હતા. જ્યારે આ બાબતે નાયબ ઇજનેર માણાવદરિયાનો સંપર્ક કરતા મિડિયા સમક્ષ તેઓએ ગેરહાજર રહેનાર કર્મચારીનો બચાવ કરી તેઓ બિમાર હોય આવતા ન હોવાનુ કબુલ્યુ હતુ.
વંથલી PGVCL કચેરીની મહિલા કર્મચારી ડમી માણસ પાસે કામ કરાવી મેળવે છે પગાર તો સવાલ એ થાય છે કે હાજરી પત્રકમાં સહિ કરે છે કોણ? જો અધિકારીનું માનીએ તો આ કર્મચારી ઘણા સમયથી બિમાર છે અને આવતા નથી. તો તેને પગાર કેમ ચુકવાય છે? ઘરે બેસી પગાર મેળવનાર આ કર્મચારીએ પોતાનુ કામ કરવા એક માણસ રાખેલ હતો. આ માણસે પણ મિડિયા સમક્ષ પોતે જ કામ કરતા હોવાનુ કબુલ્યુ હતું.
આખી ઘટના જોઈએ તો વંથલી નગરપાલિકાના પ્રમુખ શિવરાજ વાજાએ અનિયમિત લાઇટની સમસ્યાઓ અંગે અધિકારીઓ ફોન ઉપાડતા ન હતા, ત્યારે નગરપાલિકા પ્રમુખે વંથલી કચેરીની સવારે મુલાકાત લઈ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર લાઇવ થઈ આ કચેરીમા અનેક ભ્રષ્ટાચારો થતા હોવાના આક્ષેપો સાથે ડમી કર્મચારીની વાત કરતા આ સમગ્ર ઘટના પ્રકાશમા આવી હતી.
નગરપાલિકા પ્રમુખે પણ મિડિયા સમક્ષ આ કચેરીમા છેલ્લા ઘણા સમયથી લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિજયાબેન ભાદરકાને રાજકિયઓથ હેઠળ આ ડમી કર્મચારીને કામ કરાવી મોટો ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. કચેરીમા જોઈએ તો મોટાભાગના કર્મચારીઓ કચેરી સમય દરમિયાન ગેરહાજર જોવા મળ્યા હતા. તો અમુક કર્મચારીઓ માસ્ક વગર જોવા મળ્યા હતા.
સવાલએ થાય છે કે છેલ્લા પાંચ-સાત વર્ષ દરમિયાન જિલ્લા કક્ષાના અનેક ઉચ્ચ અધિકારીઓએ આ કચેરીની મુલાકાત લીધી હતી, તે દરમિયાન આ કર્મચારી બાબતે કોઇએ પૂછપરછ કરી નહિ હોય? નામ ન દેવાની શરતે એક કર્મચારીએ મિડિયા સમક્ષ કબુલાત કરી હતી કે, આ ડમી કર્મચારીની ઘટના ઉપરના લેવલ સુધી તમામને જાણ હતી અને આ મહિલા કર્મચારી મોટા ગજાના રાજકિય નેતાના સગા હોવાથી કાઈ થઈ શકે નહિ તેમ મક્કમતા પુર્વક જણાવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે, નાની મોટી ઘટનાઓમા કર્મચારીઓના ખુલાશા પૂછતી નોટિસો ઇસ્યુ કરનાર અધિકારીઓએ આ ઘટનામા કેટલી નોટિસો આપી? ગેરહાજર રહેનાર કર્મચારીને દરમાસે નિયમિત પગાર કોણ ચુકવે છે? શું CCTV કેમેરાઓમાં આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ તેને પણ ડિલીટ કરી નાખવામા આવશે? શું આ કર્મચારી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી પગાર રિકવરી કરવામા આવશે? શું આ ઘટનામાં આંખ આડા કાન કરી ફરજમા ભયંકર બેદરકારી બદલ નાયબ ઇજનેર માણાવદરિયા સામે કોઇ કાયદાકિય પગલા લેવાશે કે કેમ? આવા અનેક સવાલો અંગે ચર્ચાઓ ઉભી થઈ છે.