ઉના સેશન્સ કોર્ટે ચુકાદો 13 તારીખ સુધી અનામત રાખ્યો જૂનાગઢ: કાજલ હિન્દુસ્તાનીને રવિવારે જુનાગઢ જેલ ખાતે લાવવામાં આવી હતી ત્યારથી તે જુનાગઢ જેલમાં બંધ છે. ત્યારે આજે કાજલ હિન્દુસ્તાનીના વકીલો દ્વારા ઉના સેશન્સ કોર્ટમાં તેને નિયમિત જામીન મળે તે માટેની અરજી દાખલ કરવામાં આવી હતી.
ચુકાદો અનામત:વહેલી સવારથી જ ઉના સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીના વકીલો દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી દલીલો કોર્ટ સમક્ષ કરાઈ હતી. ત્યારે આજે લઘુમતી સમાજે પણ કાજલ હિંદુસ્તાનીને જામીન ન આપવા જોઈએ તેવી અરજી કરી છે. તેની વચ્ચે આજે દિવસ દરમિયાન ચાલેલી દલીલો અને સુનામણીને અંતે ઉના સેશન્સ કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીને જામીન આપવા કે નહીં તે અંગેનો ચુકાદો આગામી 13મી તારીખ સુધી મુલતવી રાખ્યો છે.
આ પણ વાંચો:Kajal Hindustani Arrested: ભડકાઉ ભાષણના આરોપમાં કાજલ હિન્દુસ્તાની જેલ હવાલે
ભડકાઉ ભાષણનો આરોપ:ગત રામનવમીના દિવસે ઉના ખાતે આયોજિત ધર્મ સભામાં હિન્દુ વક્તા તરીકે કાજલ હિન્દુસ્તાની હાજર રહ્યા હતા. રાત્રિના સમયે ઉના શહેરમાં આયોજિત ધર્મ સભામાં કાજલ હિંદુસ્તાનીએ ચોક્કસ ધર્મ અને જ્ઞાતિ વિરુદ્ધ આકરુ અને આપત્તિજનક ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ બે થી ત્રણ દિવસ સુધી ઉના શહેરનું વાતાવરણ એકદમ તંગ જોવા મળ્યું હતું. મામલો ખૂબ જ ગંભીર બનતા અંતે ઉના પોલીસે ખુદ ફરિયાદી બનીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચો:UNA Crime: ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ, ધરપકડના એંધાણ
બિનજામીન પાત્ર કલમો:કાજલ હિન્દુસ્તાની જુનાગઢ જેલમાં બંધ છે. ઉશ્કેરણી જનક ભાષણો અને બે કોમો વચ્ચે વૈમનષ્ય ફેલાય તે પ્રકારનું ભાષણ આપવા માટે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બિનજામિન પાત્ર કલમો લગાવવામાં આવી છે. ત્યારે આજે તેમના વકીલો દ્વારા કાજલ હિન્દુસ્તાનીને જામીન મળે તે માટેની જામીન અરજી વિધિવત દાખલ કરી છે. ત્યારે આગામી 13 મી તારીખે કાજલ હિન્દુસ્તાનીને જામીન મળશે કે તેનો જેલવાસ વધુ લંબાશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી જોવા મળે છે.