જૂનાગઢઃરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. થોડા મહિનાઓ પૂર્વે જૂનાગઢ આવેલા યુક્રેનના નાગરિકે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધનો(Russia Ukraine War) તાકીદે સુખદ અંત આવે તેવી આશાઓ વ્યક્ત કરી છે. યારો નામના નાગરિકે યુદ્ધ વિશે ETV Bharat સમક્ષ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધનો સુખદ અંત આવે તેવુ યુક્રેનના પ્રત્યેક નાગરિકો ઇચ્છી રહ્યા છે. રશિયા ખૂબ મોટો દેશ છે અને યુરોપમાં તેની શક્તિ પણ વિશાળ છે. આવી પરિસ્થિતિમાં યુક્રેન એકલા હાથે રશિયા સામે યુદ્ધના મેદાનમાં ટકી ન શકે તેવી મુશ્કેલ પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો અંત આવે તેવી યુક્રેનના નાગરિક યારોએ ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં ઇચ્છા પ્રગટ કરી હતી.
રશિયા ખૂબ મોટો દેશ
યુક્રેનના નાગરિક યારોએ જણાવ્યું હતું કે રશિયા ખૂબ મોટો દેશ છે. રશિયાની સૈનિક શક્તિને અવગણવી મૂર્ખામીભર્યું સાબિત થઈ શકે છે. ગઈકાલથી જ યુદ્ધ શરૂ થયું છે તેને લઈને સમગ્ર વિશ્વના લોકો ચિંતિત છે. પરંતુ યુદ્ધથી યુક્રેનને જાનમાલનું નુકસાન થશે તે વાત પણ નક્કી છે. આવી પરિસ્થિતિમાં યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ તાકીદે પૂર્ણ થાય તેવું યારો ઇચ્છી રહ્યાં છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો સમગ્ર યુરોપના દેશો માટે ખૂબ નુકસાનકારક સાબિત પણ થઈ શકે છે.