Junagadh Nnews : વૃક્ષના સંદેશા સાથે રાજસ્થાનના અલવર જિલ્લાના બે યુવાનો નીકળ્યા ભારત પ્રવાસે જૂનાગઢ :રાજસ્થાનના અલવર જિલ્લાના બે યુવાનો સતત વધતા જતા પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને સતત ઘટતું જતી વૃક્ષોની સંખ્યાને ધ્યાને રાખીને ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. આ બંન્ને યુવાનો હાલ જૂનાગઢ પહોંચ્યા છે. લોકોને જન્મદિવસ કે, અન્ય શુભ પ્રસંગોએ એક વૃક્ષનું વાવેતર કરીને પ્રકૃતિની સાથે પર્યાવરણ અને ભાવિ પેઢીને નવજીવન આપવા માટે વિનંતી કરી રહ્યા છે.
પ્રકૃતિ માટે રાજસ્થાનના યુવાનો ભારત ભ્રમણે :સતત વધતું જતું પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગની વૈશ્વિક સમસ્યા અને ભારતમાં સતત ઘટી રહેલા વૃક્ષો અને વનોની ચિંતા કરીને રાજસ્થાનના અલવર જિલ્લાના બે યુવાનો ભારત ભ્રમણ માટે નીકળ્યા છે. જે જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા છે. અહીં તેઓ યુવાનોથી લઈને મહિલા અને પુરુષોને પ્રકૃતિની સાથે વૃક્ષોનું કઈ રીતે જતન કરવું જોઈએ શા માટે વનસ્પતિ વૃક્ષો અને પ્રકૃતિ માનવ જાત માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે તે સમજાવીને પ્રત્યેક વ્યક્તિને પ્રકૃતિનું રક્ષણ કરવાની સાથે એક વૃક્ષ વાવવાની વિનંતી કરી રહ્યા છે, આગામી 18 મહિના દરમિયાન તેઓ મોટાભાગના ભારતના રાજ્યોમાં પગપાળા પરિભ્રમણ કરીને એક વ્યક્તિ એક વૃક્ષનો સંદેશો આપવા માટે ઉત્સાહિત જોવા મળે છે.
આ પણ વાંચો :Rajkot News : રાજકોટમાં પવીત્ર રમજાન માસમાં બે નાના બાળકોએ રોજા રાખી પ્રેરણારૂપ કર્યું કામ
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એકમાત્ર વૃક્ષો નિરાકરણ :ખેતીવાડીમાં સ્નાતક થયેલા રાજસ્થાનના અલવર જિલ્લાના દિલીપકુમાર મેઘવાલ સતત વધતા જતા પ્રદૂષણ જળવાયુ પરિવર્તનને લઈને ચિંતિત બન્યા અને કૃષિ ક્ષેત્રમાં સ્નાતક થયા બાદ વનસ્પતિ અને પર્યાવરણ સાથે તેઓ અભ્યાસકાળથી જ ગાઢ રીતે જોડાયા હતા, પરંતુ સતત વધી રહેલું પ્રદુષણ વૃક્ષોની ઘટતી સંખ્યા અને ગ્લોબલ વોર્મિંગમાં થઈ રહેલો સતત વધારો આ યુવાનને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે ભારત ભ્રમણે આવવાની પ્રેરણા પૂરી પાડી. એક મહિના પૂર્વે દિલીપ કુમાર મેઘવાલ રાજસ્થાનના અલવરથી પ્રકૃતિનો બચાવ થાય અને પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ વાવે તેવા સંદેશા સાથે ભારત ભ્રમણ કરી રહ્યા છે. હાલ તેઓ ગિરનાર પર્વત પર જોવા મળે છે અને અહીં આવતા ભારત વર્ષના પ્રત્યેક વ્યક્તિઓ સાથે સંવાદ યોજીને વૃક્ષનું કેટલું મહત્વ છે તે સમજાવીને વૃક્ષો વાવવા પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
આ પણ વાંચો :Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટ લૉંચ કરાશે
ભવિષ્યની આવકનો 20 ટકા પર્યાવરણ જાગૃતિ માટે અનામત :હાલ દિલીપકુમાર મેઘવાલ પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષોના વાવેતર માટે ભારત પ્રમાણે પદયાત્રા પર નીકળ્યા છે. તેઓએ આ સમય દરમિયાન youtube ચેનલ પણ શરૂ કરી છે. જેમાં તેઓ અત્યાર સુધીના વિસ્તારના પરિભ્રમણના વીડિયો લોકોના પ્રતિભાવો અને ફોટા મૂકી રહ્યા છે. જેનાથી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી શકાય અને લોકો એક વૃક્ષ વાવે તે માટે આગળ આવે તેના ભાગરૂપે જો ભવિષ્યમાં આ ચેનલ મારફતે કોઈ આર્થિક ઉપાર્જન થશે તો તે રકમમાંથી 20 ટકા રકમનો ઉપયોગ પ્રકૃતિને બચાવવા વૃક્ષોનું વાવેતર કરવા તેમજ સમગ્ર સૃષ્ટિ હરિયાળી બને તે માટે વાપરવાની તૈયારી પણ દર્શાવી રહ્યા છે.