જૂનાગઢ શહેરમાં ફરીથી ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ આપતાની સાથે જ જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા ટ્યૂશન ક્લાસિસને NOC આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગત પંદર દિવસથી જૂનાગઢમાં મનપાના અધિકારીઓ દ્વારા જૂનાગઢમાં આવેલા 200થી વધુ ટ્યૂશન ક્લાસિસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢમાં NOC મેળવીને ફરી ટ્યૂશન ક્લાસિસ થયા ધમધમતા - gujaratinews
જૂનાગઢ: સુરતના સરથાણામાં આવેલા ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાને લઈને 20 જેટલા માસૂમ બાળકો આગમાં હોમાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા તમામ ટ્યૂશન ક્લાસિસને તાકીદની અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ ફાયર સેફ્ટીની સુરક્ષાને લઈને ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આજે સવારથી જ જૂનાગઢ મનપાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા જૂનાગઢમાં આવેલા અને મનપામાં ફાયરસેફ્ટીને લઈને કરવામાં આવેલી અરજીને અન્વયે ટ્યૂશન ક્લાસિસમાં ચીફ ફાયર અધિકારી ભૂમિત મિસ્ત્રી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અભિયાન આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચાલશે. આ તપાસ દરમિયાન સુરક્ષા અને સેફ્ટીને લઈને જે ધારાધોરણ નક્કી કરેલા છે તે ધારાધોરણમાં ખરા ઉતરનાર ટ્યૂશન ક્લાસિસને સ્થળ પર જ ફાયરસેફ્ટી અને સુરક્ષાની બાબતને લઈને NOC આપવામાં આવશે.