જૂનાગઢ : કોરોના સંક્રમણના ભયની વચ્ચે આજે સમગ્ર વિશ્વમાં પર્યટન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જે પ્રકારે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને કારણે પર્યટકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢના મોટા ભાગના પર્યટન સ્થળો પણ પર્યટકોની પાંખી હાજરીને કારણે સુમસામ જોવા મળી રહ્યા છે. વર્ષ 2020નો પર્યટન દિવસ કોઈ ખાસ અને વિશેષ ઉજવણી વગર અને પર્યટકોની સવિશેષ હાજરી વગર મનાવવામાં આવી રહ્યો છે.
જૂનાગઢમાં કોરોના સંક્રમણને કારણે પર્યટકોની પાંખી હાજરી વચ્ચે આજે 'વિશ્વ પર્યટન દિવસ' મનાવવામાં આવશે
આજે વિશ્વ પર્યટન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે વિશ્વના પર્યટન ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢના પર્યટન સ્થળો આજે પ્રવાસીઓની પાંખી હાજરીને કારણે સૂમસામ જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી કોરોના સંક્રમણ સંપૂર્ણ પણે દૂર નહીં થાય ત્યાં સુધી પર્યટન સ્થળો વધુ કેટલાંક સમય સુધી પર્યટકો વિના જોવા મળશે.
જૂનાગઢમાં આવેલા પર્યટન સ્થળો ઉપરકોટ અને મહોબત મકબરામાં હાલ રિનોવેશન કામ ચાલી રહ્યું છે. જે આગામી બે વર્ષ સુધી ચાલશે તેને કારણે અહીં પર્યટકોનો પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગત તા. 17 મી માર્ચથી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય બંધ છે. જે આગામી 1લી ઓકટોબરથી ફરીથી ખુલવા જઈ રહ્યું છે.
ભવનાથમાં આવેલા ધાર્મિક અને પર્યટન સ્થળો ખોલવામાં આવ્યા છે. પરંતુ અહીં પણ પર્યટકોની પાંખી હાજરી જોવા મળે છે. જેને કારણે આ વર્ષનો વિશ્વ પર્યટન દિવસ પ્રવાસીઓની ગેરહાજરીમાં ઉજવવામાં આવી રહ્યો છે.