જૂનાગઢ: આજે મહાશિવરાત્રીનો તહેવાર સમગ્ર દેશ અને દુનિયામાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢની ભવનાથ તળેટીમાં પણ આદી અનાદીકાળથી મહા શિવરાત્રીના મેળાનું આયોજન થતું રહ્યું છે. આ મેળો અત્યાર સુધીના ઈતિહાસમાં સતત ત્રણ વર્ષ સુધી બંધ રાખવાની ફરજ જૂનાગઢના નવાબ અને જે તે સમયના સત્તાધીશોને પડી હતી. જે પ્રાચીન ગ્રંથોમાં પૂરાવાઓ સાથે જોવા મળે છે. મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં કૃષ્ણના સમયથી આયોજિત થતો આવ્યો છે.
આજે મહાશિવરાત્રીનો તહેવાર આ મેળાની શરૂઆત પણ કૃષ્ણએ કરાવી હતી, તેવા ધાર્મિક પૂરાવાઓ પણ મહાભારતના ગ્રંથમાં જોઈ શકાય છે. વર્ષ 1944/ 45 અને 46 એમ સળંગ ત્રણ વર્ષ આ મેળો બંધ રાખવાની ફરજ પડી હતી. વર્ષ 1944માં સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધમાં પડ્યું હતું. જેને ધ્યાને રાખીને આ મેળાને બંધ રાખવાનો નિર્ણય જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજા દ્વારા કરવામાં આવ્યો હતો. જેની જાહેરાત દસ્તુર અલ અમલમાં પણ કરવામાં આવી હતી.
જ્યારે વર્ષ 1945માં સમગ્ર રાજ્યમાં શીતળા નામની મહામારીએ હાહાકાર ફેલાવ્યો હતો, ત્યારે શીતળાની જીવલેણ તાકાત મેળા સુધી ન પહોંચે અને મેળામાં આવનારા કોઇ પણ શિવભક્ત શીતળાનો શિકાર ન બને તેને ધ્યાને રાખીને સુરક્ષાના ભાગરૂપે મેળો બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વર્ષ 1946માં રાજ્ય સરકારે મેળાના આયોજન અને તેની જરૂરિયાતને લઈને અસમ્થતા દર્શાવી હતી. જેને કારણે મેળો બંધ રાખવાની ફરજ પડી હતી. વર્ષ 1946માં જે તે સમયના શાસકોએ મેળામાં આવનાર દરેક પ્રવાસી અને શિવભક્તોએ સાથે ખાંડ અને કેરોસીન લઈને આવવું તેવો વટહુકમ જાહેર કર્યો હતો. જે તે સમયના શાસકોએ વર્ષ 1946માં ખાંડ અને કેરોસીન પૂરું નહીં પાડવામાં આવે તેવી અસમર્થતા દર્શાવવામાં આવતા વર્ષ 1946નો મહાશિવરાત્રીનો મેળો પણ અંતે રદ્દ જાહેર કરવો પડ્યો હતો.
સતત 3 વર્ષ મેળો બંધ રહ્યા બાદ આજ દિન સુધી મહાશિવરાત્રીનો મેળો હજૂ સુધી બંધ રાખવાની ફરજ સત્તાધીશો અને સરકારોને પડી નથી. જેની પાછળ મેળામાં થતું આયોજન અને અહીં ઉભા કરવામાં આવતા સેવા કાર્યોને લઈને આ મેળામાં સરકાર હવે માત્ર એજન્સી પૂરતી સીમિત થઈ ગઈ છે અને સમગ્ર મેળાનું સંચાલનથી લઈને ઉતારા મંડળ અને તમામ સુખ-સુવિધાઓ અહીં આવતા સામાજિક સંગઠનો ઉઠાવી રહ્યા છે. જેને કારણે વર્ષો વરસ અને આદિ અનાદિકાળથી આયોજિત થતો આવતો આ શિવરાત્રીનો મેળો આજે અને આવતા વર્ષે અવિરત ચાલુ રહેશે. તેવો આશાવાદ દરેક શિવ ભક્તને થઈ રહ્યો છે.