જૂનાગઢ : આજે રવિવારે સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ઠેર-ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરીને આજે રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજના દિવસે દેશ અને રાજ્યમાં રક્તદાન અને તેની જરૂરિયાતને લઈને જે આંકડાઓ મળી રહ્યા છે તે ચોંકાવનારા છે. ભારતમાં દર વર્ષે દસથી બાર યૂનિટ રક્તની જરૂરિયાત સામે રક્તદાન થકી 9 મિલિયન યૂનિટ લોહી આપણને મળી રહ્યું છે. બાકીનું ખૂટતું લોહી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાંથી આયાત કરીને પૂરૂં પાડવામાં આવે છે.
રક્તદાતા દિવસની ઉજવણી કરાઇ વાત લોહીને સંગ્રહ કરતી બેંકની કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 308 જ્યારે ગુજરાતમાં 134 બ્લડ બેન્ક આવેલી છે. જેને વસ્તીની દ્રષ્ટિએ સરખાવીએ તો પ્રતિ 10 લાખ લોકોની વચ્ચે એકમાત્ર બ્લડ બેન્ક આવેલી છે. આવી વિપરીત પરિસ્થિતિમાં ભારત જેવા વસ્તી બહુલીક ધરાવતા દેશ માટે આ આંકડાઓ ખૂબ જ ચિંતાનો વિષય છે. જેને ધ્યાને રાખીને રક્તદાન માટે જન જાગૃતિ શરૂ કરવામાં આવતાં પાછલા ચાર વર્ષમાં રક્તદાતાની સંખ્યામાં 12 ટકા જેટલો વધારો કરવામાં સફળતા મળી છે. સૌથી વધુ રક્તદાતા ધરાવતા રાજ્યની જો વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીના રક્તદાતાઓ દેશમાં સૌથી વધુ રક્તદાન કરે છે. દિલ્હીવાસીઓ તેની જરૂરિયાત કરતાં ત્રણ ગણું રક્તદાન કરે છે. જે જરૂરિયાત મુજબ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં કુલ જરૂરિયાતની સામે માત્ર 50 ટકા જ લોહી રક્તદાન દ્વારા પ્રાપ્ત થાય છે અને ઘટતું લોહી અન્ય રાજ્યો કે વિદેશોમાંથી આયાત કરવાની ફરજ પડે છે. અમેરિકનો લોહી આપવામાં વધુ ઉદાર અને પાવરધા હોય તેવું લાગી રહ્યું છે. એક અંદાજ મુજબ અમેરિકાની વસ્તીના ૨૫ ટકા લોકો નિયમિત રીતે રક્તદાન કરે છે અને તેને કારણે જ અમેરિકા આજે વિશ્વમાં પ્રથમ છે. ત્યારબાદ આફ્રિકન 23 ટકા સાથે બીજા નંબરે જોવા મળે છે. જેની સામે આપણી હરીફાઈ તો ઠીક, પરંતુ તેની આસપાસ પણ જોવા મળતા નથી. જો આજના એટલ કે રવિવારના દિવસે આપણે એવો સંકલ્પ કરીએ કે આપણી જરૂરિયાત મુજબનુ લોહી પૂરુ પાડવા માટે આપણે કટિબદ્ધ બનીએ તો જ આજના દિવસની ઉજવણી આપણા માટે એક ઉપલબ્ધિ બની શકે તેમ છે.