- સંભવિત બર્ડ ફ્લુને લઈ પશુપાલન વિભાગની ટીમ હરકતમાં
- માણાવદર-બાંટવા વચ્ચે આવેલા ખારો ડેમ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી
- તપાસ દરમિયાન વધુ કોઈ પક્ષીના મૃત્યુદેહ નહીં મળતા રાહતનો લીધો શ્વાસ
જૂનાગઢઃ જિલ્લાના માણાવદરમાં બર્ડ ફ્લુના સંક્રમણને કારણે 50 જેટલા પક્ષીઓના મોત થયા હતા. જે બાદ બે પક્ષીઓનો બર્ડ ફ્લુ પોઝિટિવ આવતા જૂનાગઢ જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો હતો, ત્યારે સમગ્ર ઘટનાને લઇને પશુપાલન વિભાગની ટીમ દ્વારા બાટવા ખારો ડેમ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને સંભવિત બર્ડ ફ્લુ કોઈ નવા વિસ્તારમાં ન ફેલાય તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગરની ટીમે બાંટવાના ખારા ડેમની ખાસ મુલાકાત લીધી બાંટવા માણાવદર વચ્ચે આવેલા ખારો ડેમ વિસ્તારમાં પશુપાલન વિભાગની ટીમે હાથ ધર્યું સર્ચ અભિયાન
બે દિવસ અગાઉ જૂનાગઢ જિલ્લાના માણાવદર અને બાંટવાની વચ્ચે આવેલા ખારો ડેમ વિસ્તારમાં 50 કરતાં વધુ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના નમૂનાઓ તપાસ અર્થે મધ્યપ્રદેશ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃત પક્ષીઓ પૈકી ચાર ટીટોડીના મૃતદેહને શંકાસ્પદ જણાતા તેમના બર્ડ ફ્લુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે ટીટોડીમાં સંભવિત બર્ડ ફ્લુના લક્ષણો જોવા મળતાં ગુજરાતમાં બર્ડ ફલુના પ્રથમ કેસ જૂનાગઢ જિલ્લાના ખારો ડેમ વિસ્તારમાં જોવા મળ્યા હતા.
બર્ડ ફ્લુના સંભવિત ખતરાને ધ્યાને રાખીને પશુપાલન વિભાગની ટીમે હાથ ધરી તપાસ
જૂનાગઢ જિલ્લામાં સંભવિત બર્ડ ફ્લુનો રોગચાળો નવા વિસ્તારોમાં વધુ ન વકરે તેને ધ્યાને રાખીને પશુપાલન વિભાગની ટીમે પૂરતી તકેદારી અને સાવચેતી સાથે અસરગ્રસ્ત બાંટવા ખારો ડેમ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આસપાસના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દેવામાં આવ્યું છે અને તમામ પ્રકારની ગતિવિધિઓને પ્રતિબંધિત કરાઈ છે, ત્યારે પશુપાલન વિભાગની ટીમ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વધુ કોઈ પક્ષીના મૃત્યદેહ નહીં જણાતા ટીમે પણ હાંશકારો અનુભવ્યો હતો.