નકલી ડીવાયએસપી બનીને લોકોને લગાવ્યો કરોડોનો ચૂનો જૂનાગઢ:જૂનાગઢમાં નકલી ધારાસભ્ય બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે ફેમિલી કોર્ટનો ડ્રાઇવર ડીવાયએસપી બનીને લોકોને છેતરતો હતો. પકડાયેલો આરોપી મૂળ અમદાવાદ અને હાલ વડોદરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. આરોપી વિનીત દવે જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને તેની સામે તપાસ પણ ચાલુ હતી. આ દરમિયાન વિનીત દવે જૂનાગઢમાંથી ફરાર થઈને વડોદરા ખાતે રહેતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વિનીત દવે નકલી ડિવાયએસપી બનીને પોલીસ વિભાગની સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની સારી ઓળખ છે તેવો રૌફ મારીને 17 કરતા વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ દરમિયાન લોકોને કુલ અંદાજિત 2 કરોડ કરતા વધુ રકમનો ચૂનો લગાડ્યો છે.
નકલી આધાર પુરાવા થયા પ્રાપ્ત:જૂનાગઢ પોલીસે વિનીત દવેની અટકાયત કર્યા બાદ તેમની તપાસ કરતાં તેમની પાસેથી નકલી ગુજરાત પોલીસનું ડીવાયએસપી રેન્કનું આઈ કાર્ડ સાથે જૂનાગઢનું આધાર કાર્ડ, ફેમિલી કોર્ટનું કર્મચારી તરીકેનું આઈકાર્ડ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જૂનાગઢના નામનું ફોટો કોપી કરેલું આઈકાર્ડ, એક્સિસ બેન્ક સહીત અન્ય બેકના ડેબિટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. વધુમાં આરોપી વિનીત દવે પાસેથી અંકિતસિંહ રાજપુત અને કનસિંહ રાજપુત પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તરીકેના આધાર પણ મળ્યા છે. જેને લઈને સમગ્ર મામલામાં તપાસ પાટણ સુધી લંબાઈ તેવી પણ પૂરી શક્યતા છે. વધુમાં આરોપી પોલીસ પકડમાં રહેલા વિનીત દવે પાસેથી અલગ અલગ વ્યક્તિઓના નામે ડુપ્લીકેટ બનાવેલા કોલ લેટર પણ મળી આવ્યા છે.
વિનીત દવે સરળ શિકારની શોધમાં સતત ફરતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્યાર સુધીમાં તેમણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના કુલ 17 જેટલા વ્યક્તિઓને સરકારી નોકરી કે અન્ય વિભાગમાં તેમનું કામ કરાવી આપવાના બદલામાં 2 કરોડ 11 લાખ 50 હજારની આસપાસની છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે. વિનીત મુખ્યત્વે જૂનાગઢ-રાજકોટ સોમનાથ જિલ્લાના નોકરી વાંચ્છુઓને અને સરકારી વિભાગમાં કામ અર્થે આવતા લોકોને ભોગ બનાવીને તેનો ગોરખ ધંધો ચલાવતો હતો.
નકલી અધિકારી અને નેતાનો રાફડો ફાટ્યો:પાછલા કેટલાક સમયથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી નકલી સરકારી અધિકારી કર્મચારી કે ધારાસભ્યની ઓળખ આપીને લોકોને લૂંટવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. પાંચેક મહિના પૂર્વે વેરાવળમાંથી ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના નકલી પીએની પોલીસે ધરપકડ કરી હતી. ચાર દિવસ પૂર્વે જૂનાગઢમાંથી નકલી ધારાસભ્ય પકડાયો હતો. તેણે પણ લોકોને છેતરપિંડીનો ભોગ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આજે વધુ એક વખત જૂનાગઢમાંથી પોલીસ વિભાગના નકલી ડીવાયએસપીને પકડીને નકલીનો રાફડો ફાટી રહ્યો છે તેવા કારસ્તાનનો પોલીસે પર્દાફાસ કર્યો છે.
- Fake FCI Officer : ગુજરાતમાં બધું બોગસ ? બોગસ PMO ઓફિસર, IPS બાદ હવે ફેક FCI અધિકારી ઝડપાયો
- રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વધુ એક નકલી ડોકટર રંગે હાથે ઝડપી પાડ્યો