જૂનાગઢઃ આધુનિક સમયમાં શિક્ષિત લોકો અંધશ્રદ્ધામાં માનતા થયા હોય તેવો ચિંતાજનક કિસ્સો જૂનાગઢ જિલ્લાના ભિયાળમાં ગત જાન્યુઆરી માસમાં બન્યો હતો. ભિયાળમાં રહેતા નયન સોજીત્રા નામના શિક્ષિત યુવાનને પુત્રપ્રાપ્તિની ઈચ્છામાં અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનતા મોરબીની મદારી ગેંગે 77 લાખ કરતા વધુની રોકડ અને દાગીના પચાવી પાડતાં પટેલ યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો હોય તેવો અહેસાસ થતા જૂનાગઢ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના પાંચ આરોપીઓ અમરેલી જિલ્લામાં આ જ પ્રકારના ગુના આચરવા બદલ પોલીસ કસ્ટડીમાં હોવાથી જૂનાગઢ પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના યુવાનને ફસાવી 77 લાખ પચાવી પાડનાર ગેંગને પોલીસે ઝડપી પાડી ભિયાળ ગામમાં રહેતા શિક્ષિત નયન સોજીત્રાએ પુત્રપ્રાપ્તિની ઘેલછામાં અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનતા મોરબીની મદારી ગેંગે તેમની પાસેથી 77 લાખ રોકડ અને દાગીના પડાવી લઇને તેને શીશામાં ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા જૂનાગઢ પોલીસે મોરબીની મદારી ગેંગનો અમરેલી પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો લઇ કોર્ટમાં રજૂ કરતાં જુનાગઢ કોર્ટે તમામ પાંચ આરોપીઓના સાત દિવસના રીમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.શિક્ષિત અને સભ્ય સમાજના લોકો અંધશ્રદ્ધાનો ભોગ સૌથી વધુ બનતા હોય છે અને આજ વર્ગમાંથી આવતો વ્યક્તિ અંધશ્રદ્ધાનો ખૂબ જ આસાન શિકાર બનતો હોય છે. જેને ધ્યાને રાખીને મોરબીની પાંચ સભ્યોની બનેલી મદારી ગેંગ આવા શિકારની શોધમાં જોવા મળતી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભિયાળમાં રહેતા શિક્ષિત યુવાન નયન સોજીત્રાના ઘરે ગેંગ પૈકીના કવરનાથ ભિક્ષા વૃત્તિ કરવાને બહાને શિકારની શોધમાં પહોંચ્યા અને તેની આપવીતી સાંભળીને તેને શીશામાં ઉતારવા યોગ્ય શિકાર માનીને તેની સાથે વાતચીત કરી તેનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મદારી ગેંગના પ્રમુખ રુખડનાથ મદારીનો સંપર્ક નયન સાથે કરાવવામાં આવ્યો. આ રુખડનાથે નયનને કેટલીક વિધિઓ કરવાની સલાહ આપી હતી અને તેની પાછળ કેટલોક ખર્ચ પણ કરવો પડશે તેવી વાત કહી હતી. નયન સિફતપૂર્વક મદારી ગેંગે ગોઠવેલી ચાલમાં ફસાઈ ગયો અને ક્રમશ રૂપિયા 77 લાખ કરતા વધુની રોકડ અને દાગીના ગુમાવી બેસ્યો હતો. મદારી ગેંગે નયન સોજીત્રાને રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરોમાં ફેરવીને તેમની પાસેથી તગડી રકમ અને માલમતાને સેરવી લીધી હતી. અંતે નયનની આંખ ઊઘડતાં પોતે અંધશ્રદ્ધામાં ફસાયો છે અને પોતાની મિલકત અને ઝવેરાત તેમાં ગુમાવી ચુક્યો છે તેનું ભાન થતાં અંતે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન આ પાંચ આરોપીઓ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવા જ એક ગુનાના આચરવા બદલ પોલીસે પકડી પાડયા હતા. જેની જાણ જૂનાગઢ પોલીસને થતા પોલીસે તમામ પાંચેય મદારી ગેંગના સભ્યોનો ટ્રાન્સફર વોરંટ મેળવીને કબજો કરી જૂનાગઢ લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામ આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.