જૂનાગઢ: છેલ્લા બે મહિનાથી સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. જેને લઇને શહેરના મોટાભાગના માર્ગો પર ખોદકામ કરવામાં આવ્યું છે. ભૂગર્ભ ગટરનું કામ હવે અંતિમ ચરણો તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ કામ પૂર્ણ થશે, પરંતુ ગટરને કારણે જે પ્રકારે રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે. તેમાંથી હવે બારીક ધૂળ ઊડી રહી છે. જેને કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારીને તેમના વેપાર-ધંધા બંધ રાખીને વિરોધ કર્યો હતો.
જૂનાગઢમાં માર્ગો પર ઉડી રહેલી ધૂળને લીધે વેપારીઓ પરેશાન, કમિશ્નરને આવેદન - મ્યુનિસિપલ કમિશ્નર
જૂનાગઢના માર્ગો પર ઉડી રહેલી ધૂળને કારણે વેપારીઓ ત્રાહિમામ બન્યા છે. ત્યારે જવાહર રોડ, જયશ્રી રોડ અને તળાવ દરવાજા વિસ્તારના વેપારીઓએ બંધ પાડીને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસે જોડાઇ અને વેપારીઓની માગને લઇ તેમનો સાથ પુરાવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી શહેરના જયશ્રી રોડ, તળાવ દરવાજા અને જવાહર રોડ પર ગટરના ખોદકામના કારણે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં બારીક ધૂળ ઊડી રહી હતી. જેને લઇને વેપારીઓપણ આકરા બની રહ્યા હતાં, ત્યારે વેપારીઓની માંગ વાજબી અને યોગ્ય હોવાનું જણાતા શહેર કોંગ્રેસે પણ વેપારીઓને સાથ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં જયશ્રી રોડથી રેલી મારફતે મ્યુનિસિપલ કમિશ્નર પહોંચીને તાકીદે ખોદકામ કરવામાં આવેલા માર્ગોનું રીપેરીંગ કરવામાં આવે અને ઉડતી ધૂળ પર અત્યારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઇ નક્કર નિર્ણય કરે તે માટે કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.