જૂનાગઢ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે હતા, ત્યારે તેમની અમદાવાદ મુલાકાતને લઈને નમસ્તે ટ્રંપ નામના કાર્યક્રમમાં આયુષ્યમાન યોજનાને લઈને કેટલીક વાતો કરવામાં આવી હતી. જે પૈકી આ યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના છે અને દેશમાં કરોડો લાભાર્થીઓ આ યોજના થકી લાભ મેળવી રહ્યા છે તેવો દાવો પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સમક્ષ કર્યો હતો, ત્યારે સમગ્ર યોજનાની અમલવારી અને દાવાની હકીકત તપાસવા માટે ETV ભારતની ટીમે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના ડેસ્કની તપાસ કરતા આ યોજના વાસ્તવમાં હજુ પુરેપુરી અમલમાં આવી નથી. તેમજ સાચા કહી શકાય તેના લાભાર્થીઓ આજે પણ યોજનાને લઈને ઠેરઠેર ભટકી રહ્યા છે.
આયુષ્યમાન ભારત યોજના માત્ર કાગળ ઉપર જ આ યોજનાને ગરીબ અને તેનાથી પણ નીચલા સ્તરે રહેતા લાભાર્થીઓ માટે બનાવવામાં આવી છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડને આધાર બનાવીને યોજનાના લાભાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર નક્કી કરી રહી છે, ત્યારે હાલ આ યોજનાનું સત્ય તપાસ કરતાં વર્ષ ૨૦૧૦ અને 11મા ગરીબીની રેખા નીચે જીવતા અને અંત્યોદય પરિવારોનો જે સર્વે કરવામાં આવ્યો હતો તેના ડેટાને લઈને આ યોજનાની અમલવારી કરવામાં આવી રહી છે. વર્ષ-૨૦૧૧ બાદ ગરીબીની રેખા નીચે જીવતા પરિવારો અને અંત્યોદય પરિવારોનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં નથી આવ્યો. માટે આ યોજનાના લાભાર્થીઓ વર્ષ ૨૦૧૧ અને તેની પહેલાના હશે એવું ચોક્કસ કહી શકાય.હવે જ્યારે સર્વે જ ૨૦૧૧ બાદ કરવામાં નથી આવ્યો, ત્યારે તેવું કહી શકાય કે વર્ષ-૨૦૧૧ બાદના ગરીબીની રેખા નીચે જીવતા અને અંત્યોદય પરિવારોને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જેને લઇને હવે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકો આ યોજનાનો લાભ લેવા માટે ભટકી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમનો કોઇ પણ પ્રકારનો રેકોર્ડ તેમની નોંધ માં ન હોવાને કારણે તેમને આ યોજના હેઠળ આવરી લેવામાં નથી આવતા તેઓ જવાબ છેલ્લા બે વર્ષથી આપવામાં આવી રહ્યો છે. જેને લઇને હવે અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા પરિવારો પણ આ યોજનામાં વહાલા દવલાની નીતિ કરવામાં આવતી હોય તેવો આક્ષેપ પણ કરી રહ્યા છેસાચા અરજદારો ઠેરઠેર ભટકી રહ્યા છે તો કેટલાક પાછલા દરવાજેથી ઘૂસેલા લોકો આ યોજનાના લાભાર્થીઓ પણ બની રહ્યા છે. જો રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે નવા અને સુધારેલા ગરીબીની રેખા નીચે અને અંત્યોદય સ્થિતીમાં જીવતા પરિવારનો ડેટા જ ન હોય તો આ યોજનાને લાગુ કરવા પાછળનો તેમનો મનસૂબો પણ હવે શંકા પ્રેરી રહ્યો છે. વિશ્વના મંચ પરથી વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના અને તેનો કરોડો લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે. તેવા દાવાની હવા જૂનાગઢમાં નીકળતી જોવા મળી રહી છે. અભણ ગરીબ અને અસશક્ત લાભાર્થીઓ સરકારની આંટીઘૂટી વાળી નીતિ અને ન સમજાય તેવા નિયમોની વચ્ચે ફૂટબોલની માફક ફંગોળાઈ રહ્યા છે.