- પેટ્રોલમાં મિશ્રીત થઇ રહેલા ઈથેનોલને કારણે ખાંડના ભાવોમાં જોવા મળશે ઉતાર-ચઢાવ
- પેટ્રોલમાં નિશ્ચિત ઈથેનોલનું પ્રમાણ વધે તો વધી શકે છે ખાંડના બજાર ભાવ
- કેન્દ્ર સરકાર ઈથેનોલને લઈને બનાવી શકે છે નવી પોલીસી
જૂનાગઢ:પેટ્રોલમાં મિશ્રીત થઇ રહેલું ઈથેનોલ શેરડીમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. શેરડીના મોલાસીસમાંથી ઈથેનોલ મળતું હોય છે ત્યારે આગામી વર્ષોમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ કેટલું રાખવામાં આવશે તેને લઈને ખાંડના બજાર ભાવ અને તેની અછતને લઇને કોઇ ચોક્કસ પરિણામો જોવા મળી શકે છે.જૂનાગઢના વેપારીઓ ખાંડના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ નહિવત હોવાનું જણાવી રહ્યા છે.
જૂનાગઢના વેપારીઓના મતે ખાંડના ભાવ વધવાની શક્યતા નહિવત
પાછલા કેટલાક સમયથી ખાંડના બજાર ભાવો અને તેના ઉત્પાદનને લઈને બજારમાં ચિંતા પ્રવર્તી રહી છે. પેટ્રોલમાં જે 10 ટકા ઈથેનોલનું પ્રમાણ રાખવામાં આવે છે તે શેરડીમાંથી મેળવવામાં આવે છે જેથી ખાંડનું ઉત્પાદન ઘટશે અને તેના બજારભાવોમાં વધારો થશે એવું બજારમાં પ્રવાહિત થઈ રહ્યું છે. સમગ્ર મામલાને લઈને etv ભારતે જૂનાગઢના ખાંડના વેપારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો જેમાં સર્વસામાન્ય વાત એવી બહાર આવી હતી કે વર્તમાન સમયમાં ખાંડના બજાર ભાવોમાં કોઈ વધારાની શક્યતા નથી.
કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાને લઇને બનાવી શકે છે નવી પોલીસી
આગામી વર્ષમાં કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાને લઇને કોઇ નવી પોલીસી બનાવી શકે છે. જો આ પોલીસી અમલમાં આવે તો ખાંડના ઉત્પાદન પર વિપરીત અસર પડી શકે છે.જો ઈથેનોલનું ઉત્પાદન વધે તો ખાંડના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે કારણકે સૌથી મોટા પ્રમાણમાં શેરડીમાંથી પ્રાપ્ત થતાં મોલાસીસમાંથી ઈથેનોલ મેળવવામાં આવે છે. જો ઈથેનોલનું પ્રમાણ પેટ્રોલમાં વધે તો તેનું ઉત્પાદન પણ વધારવું પડે.પરંતુ જો અને તો ની વચ્ચે સમગ્ર મામલો કેન્દ્ર સરકારના નિર્ણય પર આધારિત છે.