જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં એસ.ટી. બસની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં સરકાર દ્વારા એસ.ટી. બસના સંચાલન વખતે સામાજિક અંતર જાળવી રાખવું, બસમાં ૩૦ કરતાં વધુ પ્રવાસીઓની સંખ્યા ન રાખવી તેમજ કોઈપણ દિશાનિર્દેશોનું જે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયા છે તેનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં બસના ચાલક અને કંડકટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
જૂનાગઢ એસટી બસ શરૂ થવાની શક્યતાઓ નહિવત - latest updates of corona in gujarat
ગ્રીન ઝોન વિસ્તારમાં આવતા જૂનાગઢમાં આજથી એસ.ટી. બસનું સંચાલન શરૂ થાય તેવી નહિવત શક્યતાઓ જોવામાં આવી રહી છે. એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જૂનાગઢમાં કોરોનાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના કેટલાક ડેપોનું બસોનું સંચાલન પૂર્વવત થાય તેવી શક્યતાઓ હાલ નહીંવત જોવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે દિશાનિર્દેશો જાહેર કરાયા છે તે મુજબ બસનું સંચાલન જિલ્લાની બહારના કોઈપણ વિસ્તારમાં કરવામાં આવશે નહી તેમજ ખાસ કરીને બસમાં પ્રવાસીઓની સંખ્યાને લઇને એસ.ટી. નિગમના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. જે પ્રકારે ૩૦ જેટલા મુસાફરોની સંખ્યા ચોક્કસ રૂટ પર નિર્ધારિત કરવામાં આવી છે તે બસના ચાલક કંડક્ટર અને એસ.ટી.વિભાગ માટે પણ મુશ્કેલીઓ સર્જી શકે છે. જે લોકો છેલ્લા 40 દિવસથી પોતાના ઘરમાં સ્વયંભૂ કેદ થયા છે તેઓ એસ.ટી. બસનું સંચાલન શરૂ થતા માત્ર મુસાફરી ખાતર પણ એસ.ટી.બસમાં સવારી કરશે આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓની ભીડ કાબૂમાં કરવી ખૂબ જ મુશ્કેલ અને સમસ્યાજનક બાબત બની રહેશે. આથી એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જૂનાગઢમાં કોરોનાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.