જૂનાગઢ :ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં જૂનાગઢ શહેરની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ગાંધેશા બંસીએ 99.99 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરીને જૂનાગઢ શહેરનું નામ રોશન કર્યું છે. બંસી ગાધેશા પર્સન્ટાઇલમાં માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ત્રીજા ક્રમે જોવા મળે છે. જેને શાળાના શિક્ષકો સંચાલકો અને તેમના પરિવારજનો વિદ્યાર્થીનીએ કરેલા ઉજ્જવળ દેખાવને ઉમળકા ભેર આવકાર્યો છે. ગાધેશા બંસીના પિતા વિપુલભાઈ જુનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં ફ્રુટની લારી ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે.
મોંઘવારીના સમયમાં શિક્ષણ અતિ મોંઘુ થઈ રહ્યું છે, પરંતુ પુત્રીએ શાળાના શિક્ષકોની વિદ્યાર્થી પ્રત્યેની સદભાવના આજે તેમની આવક ખૂબ મર્યાદિત હોવા છતાં પણ વધારાના એક પણ પૈસાના ખર્ચા વગર શાળાની મામુલી ફી માં દીકરીએ શિક્ષણ બોર્ડમાં જે ઉજવળ દેખાવ કર્યો છે. તેને એક પિતા તરીકે આવકારી રહ્યું છું - વિપુલ ગાધેશા (બંસીના પિતા)
સરસ્વતી સ્કૂલના સંચાલક નરેશ ખીમાણીએ પરિણામ બાદ કહ્યું હતું કે, શાળાનું પરિણામ 99 ટકાની આસપાસ જાય છે. શાળાના પાંચ જેટલા વિદ્યાર્થીઓ ગણિત સહિત અન્ય વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે. શાળાના શિક્ષકો પ્રત્યેક વિદ્યાર્થીને આત્મીયતાથી અભ્યાસ પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે. જેને કારણે આટલું સુંદર પરિણામ પ્રાપ્ત થયું છે. તો વિદ્યાર્થીની ગાધેશા બંસી એ તેમનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમના પરિવાર પાછળ માતા પિતાનો સાથ, સહકાર શાળાના શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન, દૈનિક ધોરણે આયોજનપૂર્વક કરવામાં આવતું વાંચન અને અભ્યાસ આજે તેમને પરીક્ષાના દિવસે સફળતા અપાવી છે. તેને તે પરિવારના સભ્યો અને શાળાના શિક્ષકો અને સંચાલકોને અર્પણ કરે છે.