મહા શિવરાત્રી: મહા પર્વને લઇને ભવનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
મહા શિવરાત્રીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે, સમગ્ર વિશ્વમાં આજે શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીના પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભવનાથની ગિરિ તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવના દર્શન માટે લાખોની સંખ્યામાં શિવભક્તો ભવનાથ તળેટી તરફ આવી ચૂક્યા છે.
જૂનાગઠ: આજના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન માટેનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે. તેમજ રાત્રીના સમયે શિવના સૈનિકો સંન્યાસીઓની એક રવેડી પણ નીકળશે. રવેડીનું શિવ ચરિત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. યાત્રિકો આજે વહેલી સવારથી જ ભવનાથ તળેટીમાં પોતાનું સ્થાન લેવા માટે કતારબંધ આવી રહ્યાં છે. શિવરાત્રીના દિવસે સંન્યાસીઓની રવેડીના દર્શનને પણ ખુબ જ પુણ્ય માનવામાં આવે છે. જેને લઇને શિવભક્તો આખો દિવસ માર્ગ પર બેસીને ભગવાન ભોળાનાથની રવેડી શરૂ થાય તેની રાહમાં ભવનાથ તળેટીમાં બેસેલા જોવા મળે છે.