જુનાગઢનો માંગરોળ દરિયો ગાંડોતૂર બન્યો છે. જેના પગલે બોટ કિનારા પર લાંગરવામાં આવી છે અને 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડું છ કલાકે 21 કિમીની ઝડપે આગળ ધપી રહ્યું છે. હાલમાં વાવાઝોડું વેરાવળથી 600 કિમીના અંતરે છે જેને લઈ માંગરોળ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાયુ બાદ 'ક્યાર' અને 'ક્યાર' બાદ 'મહા' વાવાઝોડાને પગલે માછીમારોને રોજગાર બંધ થતા મુશ્કેલીમાં મુકાયા છે. અગમચેતીના રૂપે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેના પગલે બંદરો પર ભયજનક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે.
માંગરોળના દરીયાકીનારે 'મહા' વાવાજોડાની અસર, 2 નંબરનું સિગ્નલ લગાવાયુ - માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના
જૂનાગઢઃ ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે અને આગામી 7-8 નવેમ્બરના ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. આ વાવાઝોડા પૂર્વે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સીવીયર સાયક્લોનની અસર શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાના પ્રભાવ સ્વરૂપે રાજ્યમાં કારતક મહિનામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી સવારથી માંગરોળ સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ગુજરાતના દરિયાકાંઠે વિકરાળ મોજા ઉછળવાના પણ શરૂ થયા છે.
![માંગરોળના દરીયાકીનારે 'મહા' વાવાજોડાની અસર, 2 નંબરનું સિગ્નલ લગાવાયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4942882-thumbnail-3x2-jnd.jpg)
કારતક મહિનામાં વરસાદથી ખેડૂતોને ઊભો પાક બગડવાની ચિંતા રહેલી છે. દિવાળી સુધી વરસાદે ખમૈયા નહીં કરતા લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડું 7 નવેમ્બરના વેરાવળ દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. પવનની ઝડપ ધીરે ધીરે વધીને 90-100 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. જેને લઇને રાજ્ય સરકારે તંત્રને સ્ટેન્ડબાય રહેવાની સુચના આપી દીધી છે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા બચાવ કામગીરી અંગે જરુરી તમામ આગોતરા પગલાં ભરવા રાજ્યના તમામ કલેક્ટરને મહેસુલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાવાઝોડું મહા અરબી સમુદ્રમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ છ કલાકે 21 કિમીની ઝડપે આગળ ધપી રહ્યું છે. હાલમાં વાવાઝોડું વેરાવળથી 600 કિમીના અંતરે છે. આગામી 24 કલાકમાં 'મહા' વાવાઝોડું સીવીયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. નિષ્ણાંતોના એક અંદાજ મુજબ વાવાઝોડું વધુ સમય દરિયામાં રહેવાથી તે વધુ ભયાવહ સ્વરૂપ ધારણ કરી શકે છે. પરંતુ, તે ખાડી તરફ ફંટાઈ જતા જોખમ ટળવાની સંભાવના છે. તાજેતરમાં ગુજરાતમાં ‘વાયુ’ ચક્રવાતનું સંકટ પણ ઘેરાયું હતું અને બાદમાં તે ઓમાન તરફ ફંટાઈ જતા રાહત થઈ હતી.