ગીરના રાજાઓનું વેકેશન આજથી પૂર્ણ, પ્રથમ દિવસે 150 પરમીટ ઇશ્યુ - ગીર સાસણ સમાચાર
જૂનાગઢઃ આજથી સાસણ ગીરમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થયું છે. 4 મહિના બંધ રહ્યા બાદ આજે સાસણ ગીર સફારી વિધિવત રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે 3 તબક્કા માટે 150 પરમીટ ઈશ્યુ કરવામાં આવી હતી.
ચોમાસાના 4 મહિના બંધ રહ્યા બાદ આજથી સાસણ ગીર સફારી પાર્ક ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, ગત 16 જૂનથી ચોમાસાને કારણે તેમજ આ સમય દરમિયાન સિંહોના સંવનન કાળને ધ્યાને લઈને સાસણ ગીર સફારી 4 મહિના માટે બંધ રાખવામાં આવે છે. જેને આજે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું, વહેલી સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓના એક જથ્થાને સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારબાદ ત્રણ કલાકના વિરામ બાદ સમયાંતરે બીજા યાત્રિકોને સફારીમાં પ્રવેશ આપવામાં આવે છે. દિવસ દરમિયાન 13 રૂટો પર 3 જેટલી ટ્રીપોને સફારીમાં જવા માટે પરમીટ આપવામાં આવશે.