જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલી 11 દુકાનોમાં ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અંદાજિત 13 લાખ 37 હજાર રોકડ તેમજ 10 લાખ કરતા વધુના સોના ચાંદીના દાગીના મળીને કુલ 23 લાખ 40 હજાર કરતા વધુના મુદ્દામાલની ચોરી થયાની પોલીસ ફરિયાદ જૂનાગઢ શહેર A ડીવીઝનમાં નોંધાવવામાં આવી હતી. ચોરીની ઘટનાને લઇને જૂનાગઢ જિલ્લા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ - લોકલ ક્રાઈમ બ્રાન્ચ
જૂનાગઢ: શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ છે. થોડા દિવસ પહેલા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં 11 કરતા વધુ દુકાનમાં કરવામાં આવેલી ચોરીની ધટનામાં અંદાજિત 12 લાખ જેટલા મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે માખીયાળા નજીક આવેલા રેલવે ફાટક પાસે પોલીસે બે અજાણ્યા વ્યક્તિની અટકાયત કરી હતી. વધુ પૂછપરછ કરતા બંને વ્યક્તિઓએ આ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. ચોરીના ગુનામાં વધુ એક આરોપીનું નામ સામે આવતા પોલીસે મજેવડીમાંથી ત્રીજા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ ત્રણે ઇસમો પાસેથી ચોરીના મુદ્દામાલ રોકડ રૂપિયા 4 લાખ 57 હજાર મળીને કુલ 12 લાખ 31 હજાર કરતાં વધુના સોનાના દાગીના અને રોકડનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ ચોર ત્રિપુટી ચોરી કરતી વખતે આસપાસના CCTV કેમેરા તેમજ DVRને નુકસાન પહોંચાડી તેમના દ્વારા કરવામાં આવતા કરતૂતને છુપાવવાનો પ્રયાસ કરતા હતા. પકડાયેલા ત્રણેય આરોપીઓ જુનાગઢ, ધોરાજી, જામજોધપુર અને રાજકોટ ગ્રામ્યના માર્કેટિંગ યાર્ડોમાં ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ જૂનાગઢ જિલ્લામાં 21, રાજકોટ ગ્રામ્યમાં 26, મોરબીમાં 2, જામનગરમાં 3 અને રાજકોટ શહેરમાં મળીને કુલ 54 જેટલા ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોરી કરીને તરખાટ મચાવતી આ ત્રિપુટીને જુનાગઢ પોલીસે પકડી પાડવામાં સફળતા મળી છે.