જૂનાગઢ:દરિયાઈ સુરક્ષા બોર્ડર નજીક આઝાદી કાળથી વિવાદ ચાલી રહ્યો છે કે જેને કારણે પણ ભારતીય માછીમારોના અપહરણ થઈ રહ્યા છે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના 150 કરતાં વધુ માછીમારોની મુક્તિને લઈને વધુ એક વખત દેશની સંસદમાં મુદો ઉછળ્યો છે. વધુમાં વર્ષોથી ચાલતી આવતી આ કાયદાકીય પ્રક્રિયા ખૂબ જટિલ બની છે. જેમાં ભારત અને પાકિસ્તાનની સરકારો સહમતિ સાધીને તાકીદે માછીમારોને મુક્ત કરે તેવી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલેે માંગ કરી છે.
માછીમારોના પરિવારો ભોગવી રહ્યા છે હાલાકી:ભારતીય માછીમારોની મુક્તિને લઈને પાછલા ઘણા વર્ષોથી બંને દેશોની સરકારો વચ્ચે રાજકીય દાવ પેચ ખેલાઈ રહ્યો છે. જેનો ભોગ સામાન્ય માછીમાર અને તેનાથી પણ વધારે માછીમારના પરિવારજનો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. પાકિસ્તાન એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરીને તેને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ત્રણ કે પાંચ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ તેને છોડવા માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ લાખો રૂપિયાની કિંમતી બોટ આજે પણ પાકિસ્તાનના કબજામાં છે. જેને મુક્ત કરવાને લઈને ભારતની સરકારે ખૂબ જ ત્વરિક કામગીરી કરવી જોઈએ તેવું શક્તિસિંહ ગોહિલે આજે રાજ્ય સભામાં આગ્રહ સાથે કેન્દ્ર સરકારને સવાલોના માધ્યમથી વિનંતી કરી હતી.
અનેકવાર રજૂઆત:પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને છોડાવવા માટે તેમજ માછીમારોને કાયદાકીય સુવિધાઓ મળી રહે તે માટે કોડિનારમાં સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘની કાર્યવાહી ચાલી રહી છે. અહીંથી પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીય માછીમારોની મુક્તિ માટેની ગતિવિધિઓ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર મારફતે થતી રહે છે.
બીમાર માછીમારોની પાકિસ્તાન સરકાર દ્વારા નબળી કામગીરી:સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના અધ્યક્ષ બાલુભાઈ સોચા પણ કેન્દ્ર સરકારની નીતિને કારણે માછીમારોની મુક્તિમાં વિલંબ થાય છે તેવું માની રહ્યા છે. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોને કોઈ મોટી યાતનાઓનો સામનો કરવો પડતો નથી પરંતુ કોઈ પણ માછીમાર બીમાર પડે અથવા તો કોઈ ગંભીર બીમારીમાં સપડાઈ આવી પરિસ્થિતિમાં માછીમારોની આરોગ્યની કાળજી લેવા માટે પાકિસ્તાની જેલ અને ત્યાંની સરકાર કોઈ નક્કર કામગીરી કરતી નથી. જેને કારણે પાછલા ત્રણ-ચાર મહિનામાં ભારતના ત્રણ માછીમારોનું મોત પાકિસ્તાનની જેલમાં થયું છે.