જૂનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ સંબંધને મજબૂતી સાથે ઉજાગર કરતો રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢની ભાવિ છાયાએ ભાઈ બહેનના આ તહેવારને એક નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આજના દિવસે પ્રત્યેક બહેન પોતાના ભાઈને સુરક્ષા રુપી રાખડી બાંધીને તેનું રક્ષણ થાય સાથે સાથે તમામ મુશ્કેલી માંથી ભાઈ સફળતાપૂર્વક બહાર આવે તે માટેના આશીર્વાદ એક બહેન પોતાના ભાઈને આપતી હોય છે. પરંતુ સનાતન ધર્મ સંસ્કૃતિના આ તહેવારમાં જૂનાગઢની ભાવિ છાયાએ પવિત્ર પ્રેમ સંબંધની સાથે સમાજ જીવનમાં સોનાની લકીર સમાન એક નવો પંથ કંડાર્યો છે. ભાવિ છાયાએ માનસિક અસ્થિર પોતાના ભાઈની સેવા કરવા માટે તેમના વ્યક્તિગત જીવનને પરિવારના ચરણોમાં અર્પણ કરીને આજે ભાઈ બહેનના પવિત્ર સંબંધની સાથે પરિવારની ભાવના કેવી હોઈ શકે તેનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
Rakshabandhan 2023: માનસિક અસ્થિર ભાઈ માટે પોતાનું વ્યક્તિગત જીવન અર્પણ કરીને આદર્શ દ્રષ્ટાંતની સુવર્ણ રેખા સમાન જૂનાગઢની ભાવિ છાયા
આજે રક્ષાબંધનનો તહેવાર છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સબંધને ઉજાગર કરતો સનાતન ધર્મ સંસ્કૃતિમાં આ તહેવાર. તેમાં જૂનાગઢની ભાવિ છાયા એ પોતાના વ્યક્તિગત જીવન પોતાના માનસિક અસ્થિર ભાઈ અને માતાને અર્પણ કરીને આજે રક્ષાબંધનના પાવન પર્વે સંબંધોની એક સુવર્ણ રેખા કંડારવાનું કામ કર્યું છે.
Published : Aug 30, 2023, 8:17 AM IST
"પોતાના માનસિક અસ્થિર ભાઈની સેવા કરવી તે ખરેખર તેમના જીવનનો એક માત્ર અંતિમ ધ્યેય છે. પોતાના પિતાના અવસાન બાદ આજે ઘરની તમામ જવાબદારી તેમના પર છે. કોરોના જેવા સંકટગ્રસ્ત સમયમાં પણ પરિવારની જવાબદારીની સાથે માનસિક અસ્થિર ભાઈની તમામ પ્રકારની તકેદારી અને તેના સુખ દુઃખમાં ભાગીદાર થવાની મને જે લાહ્વો મળ્યો છે. તેના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. લગ્ન કરીને પણ સેવા જ કરવાની છે. તો પછી ઘરમાં માનસિક અસ્થિર ભાઈની સેવા કરીને લગ્ન અને સાંસારિક જીવન તેમના ચરણોમાં અર્પણ કરીને આજે હું એકમાત્ર ભાઈ અને મા ની સેવા કરીને ખૂબ જ ગર્વભેર સમાજ જીવન જીવી રહી છું."-- ભાવિ છાયા (બહેન)
વ્યક્તિગત જીવન અર્પણ: ભાવિ છાયા જૂનાગઢમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પરિવારના સૌથી મોટાભાઈ માનસિક અસ્થિર હોવાને કારણે તેઓ આજે પણ પોતાનું વ્યક્તિગત જીવન પોતાના ભાઈને અર્પણ કરે છે. વહેલી સવારથી તમામ દૈનિક ક્રિયાઓની સાથે ભોજન સહિત ઘરનુ તમામ કામકાજ આટોપી લઈને ભાવી છાયા પોતાની ફરજના બીજા ભાગરૂપે નોકરી કરવા માટે પણ પહોંચી જાય છે. સાંજે ઘરે પરત ફરતી વેળાએ પરિવારની જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે તે ઘરમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો માનસિક અસ્થિર ભાઈ જાણે કે તેમની રાહ જોઈને બેઠો હોય તે પ્રકારનું દ્રશ્ય ભાઈ બહેનના પ્રેમની સાથે પરિવારની ભાવનાને પ્રકાશિત કરે છે. પાછલા 60 વર્ષથી આ જ પ્રકારની પારિવારિક પ્રેમની સાથે ભાઈ બહેનના સબંધો દર વર્ષે ઉજવળ થવાની સાથે ખૂબ જ મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે.