જૂનાગઢઃ આજે પણ ટીટોડીના ઈંડાને લઈને વર્ષા વિજ્ઞાન કરવામાં આવે છે. જ્યારે વરસાદને લઈને કોઈ આધુનિક ટેકનીક જોવા મળતી ન હતી, તેવા સમયે આવી પ્રાચીન અને દેસી પદ્ધતિઓ દ્વારા સમગ્ર દેશમાં વરસાદ અંગે આગાહીઓ કરવામાં આવતી હતી. આ વર્ષે ટીટોડીએ ત્રણથી ચાર ઈંડા મુક્યા છે, જેના વર્તારા મુજબ આ વર્ષે ખૂબ સારો વરસાદ પડવાની આગાહી વર્ષા વિજ્ઞાનના આગાહીકારો દ્વારા કરવામાં આવી છે.
પૌરાણિક પદ્ધતિઓ દ્વારા વરસાદની કરાઈ આગાહી
- ટીટોડીના ઈંડા પરથી વરસાદના આગમનની કરાઈ આગાહી
- આ વર્ષે ટીટોડીએ 3 ઈંડા મૂકતા થશે સારો વરસાદ
આધુનિક સમયમાં પણ વરસાદને લઈને આજે પણ દેશી અને પૌરાણિક પદ્ધતિઓ દ્વારા વરસાદનું અનુમાન વરસાદ વિજ્ઞાન મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મંડળ દ્વારા હોળીની જાળ વર્ષા રાણીનું ફૂલ પવનની દિશા ચણીબોરના ઉતારા અને ટીટોડી દ્વારા મૂકવામાં આવતા ઈંડાને લઈને વરસાદ અને વર્ષ અંગે આગાહી કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે ટીટોડીએ અલગ અલગ વિસ્તારોમાં ત્રણથી લઈને ચાર ઈંડા મુક્યા છે. જેને લઇને આ વર્ષે વરસાદની દ્રષ્ટિએ સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.