જૂનાગઢ : અતિભારે વરસાદને કારણે સોરઠ પંથકના મોટાભાગના જળાશયો અને નદીઓ પૂરના પાણીથી વહી રહ્યા છે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે તમામ નાના મોટા જળાશયો અને નદીઓમાં પૂરનું પાણી ચાલી રહ્યું છે. લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
સોરઠના જળાશયો છલકાયા :છેલ્લા 48 કલાક દરમિયાન જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના નાની-મોટી નદીઓ છલોછલ ભરાઈ ગઈ છે. 48 કલાક દરમિયાન પડેલા વરસાદને પગલે જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના શિંગોડા, ભાખરવડ, ગળત, આંબાજળ, હસનાપુર, આનંદપુર, ઓજત, સાપુર, વંથલી તેમજ ઓજત 2 પુરનું પાણી નદીઓમાં જોવા મળે છે. સોરઠ પંથકની ઓજત, હિરણ, સરસ્વતી, માલણ, સાબલી સહિતની તમામ નાની મોટી નદીઓ, તળાવો અને સરોવરો છલકાઈ રહ્યા છે, ત્યારે સંભવિત પૂરની સ્થિતિ સામે લોકો સાવચેત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની તાકીદ કરવામાં આવી છે.
એસટી વિભાગે બંધ કર્યા કેટલાક રુટ :જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ખાસ કરીને ઘેડ પંથકના બસના રૂટ બંધ કર્યા છે. ઘેડ પંથકના ઓસા, મટીયાળા, બગસરા, ઘેડ, ફુલરામાં સહિત 15 જેટલા ગામોમાં પુરની સ્થિતિનું નિર્માણ થયું છે. આવા તમામ ગામોમાં જૂનાગઢ, બાટવા, માણાવદર અને માંગરોળ થઈને ચાલતી એસટીના રુટો બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારમાં પણ પૂરની સંભવિત સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. તેવા ગામોમાં પણ બસનો વાહન વ્યવહાર મર્યાદિત કરાયો છે.
કેટલાક માર્ગો કરાયા બંધ :48 કલાકથી વરસેલા વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં કેટલાક ગામડાઓના માર્ગોને બંધ કરાયા છે. જેમાં જૂનાગઢથી રવની ધંધુસર તેમજ કેશોદના અગતરાય, આખા, ટીકરથી માણાવદર જવાના માર્ગને બંધ કર્યો છે. તો બીજી તરફ વિસાવદરથી ધારી તરફ જવાનો બાયપાસ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે તેને પણ બંધ કરાયો છે. ઘેડ પંથકના બાલાગામ અને બામણાસાનો માર્ગ પૂરનું પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો છે. તો માંગરોળથી વિરડી, ગડોદર, ઘેડ, બગસરા અને બાલાગામ જતો માર્ગ ઓજત નદીમાં આવેલા પુરને કારણે માર્ગ પર બે ફૂટ કરતા વધારે પાણી ભરાયેલા જોવા મળે છે. જેને કારણે આ માર્ગો પણ બંધ કરાયા છે.
- Jamnagar Rain: રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, પીવાના પાણીની સમસ્યા હવે ટળશે
- Kutch Rain : કચ્છના 5 ડેમ થયા ઓવરફ્લો, ખેતરો બેટમાં ફેરવાયા, હજુ 3 ડેમ છલોછલ થવાની તૈયારીમાં
- Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર