ગત 23મી તારીખે સમગ્ર દેશમાં લોકસભાના ચુંટણી પરિણામો બાદ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જેને લઇને કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વથી લઈને પ્રદેશના નેતાઓ સદમામાં આવી ગયા હતા. ત્યારે ગઈકાલે વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તરીકે રહેલા પરેશ ધાનાણી તેમના હોદ્દા પરથી હટી જવાનો પ્રસ્તાવ મુકતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
CWCની બેઠકમાં વિરોધ પક્ષના નેતા રાજીનામું આપે તેવી શક્યતાઓ - CWC
જૂનાગઢ: લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસમાં ખૂબ મોટા ફેરફારો થઈ શકે છે. જેને લઇને આજે મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નેતા પ્રતિપક્ષ પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
વર્ષ 2014ની માફક વર્ષ 2019 માં પણ કોંગ્રેસનો ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર કારમો પરાજય થયો હતો. જેમાં અમરેલી લોકસભા બેઠક પર પરેશ ધાનાણી ચુંટણી જીતવામાં અસફળ રહ્યા હતા. નૈતિક જવાબદારી પરેશ ધાનાણીએ પોતાની સમજીને નેતા પ્રતિપક્ષના હોદ્દા પરથી હટી જવાનો પ્રસ્તાવ કોંગ્રેસના નેતૃત્વને આપ્યો છે. આજે નવી દિલ્હી ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક અગત્યની બેઠક મળવા જઇ રહી છે. જેમાં પરેશ ધાનાણી દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ અંગે ચર્ચા વિચારણાને અંતે કોઈ નિર્ણય થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં જે પ્રકારે કોંગ્રેસનું ધોવાણ થયું છે. તેને લઈને હવે કોંગ્રેસમા મોટા ફેરફારો આવી શકે તેમ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ તરીકે રાજીનામું આપવાની વાત કરી છે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના વિધાનસભાના નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મુકતા કોંગ્રેસમાં ચૂંટણી બાદ ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે. સામાન્ય કાર્યકરોના મત મુજબ કોંગ્રેસના નેતૃત્વમાં યોગ્ય અને સારા ફેરફારો કરવામાં આવે તો કોંગ્રેસ આગામી સમયમાં પણ ભાજપની સામે મોટો પડકાર બની ફરી સત્તાના સુકાન સંભાળે તેવી શક્યતાઓ છે. જેને લઇને કોંગ્રેસમાં ફેરફારો થશે તો ચોક્કસ માનવામાં આવી રહ્યું છે.