- જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળશે પે એન્ડ યુઝ પાર્કિંગ
- કોર્પોરેશન વિસ્તારના 40 કરતાં વધુ સ્થળોને પાર્કિંગ પોઇન્ટ માટે કરવામાં આવ્યા પસંદ
- બજેટ બોર્ડમાં પાર્કિંગ પોઇન્ટને લઈને વ્યવસ્થાઓ કરવાની જોગવાઈ
જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આગામી દિવસોમાં પે એન્ડ યુઝ પાર્કિંગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. ત્યારે etv ભારત સમક્ષ જૂનાગઢ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયાએ વાતચીત કરતા સમગ્ર પાર્કિંગ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી પાર્કિંગ પોઇન્ટ કાયદેસર રીતે બનેલા જોવા મળતા ન હતા પરંતુ આગામી દિવસોમાં કોર્પોરેશનના બજેટ બોર્ડમાં પાર્કિંગ પોઇન્ટને લઈને વ્યવસ્થાઓ કરવાની જોગવાઈ થઈ રહી છે અને જૂનાગઢના વાહનચાલકોને મામૂલી કહી શકાય તેવા ચાર્જીસ સાથે પાર્કિંગ પોઇન્ટ આગામી દિવસોમાં આપવાનું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ ગંભીરતાથી વિચારી રહ્યું છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળશે પે એન્ડ યુઝ પાર્કિંગ જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પાર્કિંગની સુચારૂં વ્યવસ્થા
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધી પાર્કિંગની કોઈ નક્કર વ્યવસ્થાઓ અમલમાં જોવા મળતી ન હતી. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. તે મુજબ આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મામૂલી ચાર્જીસ સાથે પે એન્ડ યુઝ પાર્કિંગ અમલમાં આવવા જઈ રહ્યું છે. etv ભારત સાથેની વાતચીતમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેસીયાએ સમગ્ર પ્રૉજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પાર્કિંગની સુચારૂં વ્યવસ્થાઓ અમલમાં લાવવા જઈ રહી છે. જેને કારણે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા વાહનચાલકોને પાર્કિંગનો પ્રશ્ન હલ થશે. તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આગામી બજેટ બોર્ડમાં પાર્કિંગ વ્યવસ્થાને પણ બહુમતીથી કરવામાં આવશે મંજૂર
મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આચાર સહિતા પૂર્ણ થયા બાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ જનરલ બોર્ડ આયોજિત થનાર છે. આ બજેટ બોર્ડમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પાર્કિંગ વ્યવસ્થાને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના 54 જેટલા સ્થળોને પાર્કિંગ પોઇન્ટ તરીકે નક્કી કરીને તેના પર પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મનોમંથન કર્યું હતું અને અંતે 54 પૈકી 43 જેટલા પાર્કિંગ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના કાળવા ચોકથી લઈને ચિતાખાના ચોક તેમજ વણઝારી ચોકથી માંગનાથ સુધી જતા માર્ગો પર તેમજ દિવાન ચોકથી લઈને ઢાલ રોડ ઉતરતા માર્ગ પર સમગ્ર દિવસ દરમિયાન લોકો અને વાહનનું આવન-જાવન જોવા મળે છે. આ વિસ્તાર જૂનાગઢના જૂના વિસ્તાર તરીકે પ્રચલિત છે. તેમજ આ વિસ્તારમાં મોટા ભાગની બજારો આવેલી છે માટે લોકો અહી શાકભાજીથી લઈને સોનાની ખરીદી કરવા માટે આ વિસ્તારમાં આખું વર્ષ જોવા મળતા હોય છે, ત્યારે આ વિસ્તારમાં પાર્કિગની ખૂબ મોટી સમસ્યા અવાર-નવાર જોવા મળતી હોય છે અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે આગામી દિવસોમાં પાર્કિંગ વ્યવસ્થા અમલમાં આવવાથી વાહનચાલકોની સાથે લોકોને પણ સગવડતાની સાથે ટ્રાફિક જામ જેવી મુશ્કેલીમાંથી પણ બહાર નીકળવાનો માર્ગ મળી શકે છે.