ગુજરાત

gujarat

By

Published : Sep 16, 2019, 10:34 PM IST

ETV Bharat / state

જૂનાગઢમાં પાર્કિંગની જગ્યા ઉભી કરી શકે છે વહીવટીતંત્ર માટે અનેક સમસ્યા

જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં સુધારેલા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ થઇ ગયો છે. નવા અને સુધારેલા એક્ટ મુજબ અડચણરૂપ વાહનનું પાર્કિંગ કરનાર વ્યક્તિને પ્રથમ કિસ્સામાં પાંચસો અને ત્યારબાદ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જૂનાગઢ શહેરમાં કાળવા ચોકથી લઈને ચિતાખાના ચોક સુધીના એક પણ વિસ્તારમાં પાર્કિંગ માટેની કોઈ વિશેષ કે અલગ વ્યવસ્થા નહીં હોવાને કારણે આ નિયમ જૂનાગઢ માટે કેટલો અસરકારક નીવડશે તે આગામી સમય બતાવશે.

જૂનાગઢમાં પાર્કિંગની જગ્યા ઉભી કરી શકે છે વહીવટીતંત્ર માટે અનેક સમસ્યા

સમગ્ર રાજ્યમાં સુધારેલા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ થઇ ગયો છે, ત્યારે અમલમાં આવેલા એકટને લઈને જૂનાગઢવાસીઓ ભારે ચિંતામા જોવા મળી રહ્યા છે. એક્ટની નવી જોગવાઈ અનુસાર અડચણરૂપ પાર્કિંગ કરનારા દરેક વાહનચાલકને પ્રથમ કિસ્સામાં 500 અને ત્યાર પછીના દરેક કિસ્સામાં એક હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ અનુસાર જૂનાગઢ શહેરમાં વાહનચાલકો પાસે દંડ ભરવો વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની શકે છે. કારણકે જૂનાગઢ શહેરમાં પાર્કિંગ માટેની કોઈ વિશેષ કે અલગ વ્યવસ્થા ન હોવાને કારણે પાર્કિંગ જૂનાગઢની સમસ્યા છે, જેના પર આજદિન સુધી કોઇ નિરાકરણ લાવવામાં નથી આવ્યું, ત્યારે સીધા દંડની જોગવાઈ વહીવટીતંત્ર માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે.

જૂનાગઢમાં પાર્કિંગની જગ્યા ઉભી કરી શકે છે વહીવટીતંત્ર માટે અનેક સમસ્યા

જૂનાગઢ શહેરની બાંધણી નવાબી કાળની હોવાને કારણે અહી ગીચતાનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. તેમજ જૂનાગઢ શહેરમાં આવેલી બજારો અને વેપારનું મુખ્ય કેન્દ્ર કહી શકાય તેમા મોટાભાગના સ્થળો જુના જૂનાગઢમાં આવેલા છે. શહેરના કાળવા ચોક રાણાવાવ ચોક આઝાદ ચોક અને ચિતાખાના ચોક સુધીમાં એક પણ જગ્યાએ વાહન પાર્કિંગ કરી શકાય તેવી ખાનગી કે સરકારી કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી. જેને લઇને વાહનચાલકો પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢનું હાર્દ અને જિલ્લાની ખરીદીનું એક માત્ર કેન્દ્ર પંચ હાટડી ચોક અતિ ગીચ અને સાકળો વિસ્તાર હોવાને કારણે અહીંથી પગપાળા પસાર થવું પણ ખુબ કપરું અને મુશ્કેલી ભર્યું કામ છે, ત્યારે આ વિસ્તારમાં પાર્કિંગના નિયમોની અમલવારી અને વાહનચાલકોને દંડની જોગવાઈ વહીવટીતંત્ર માટે પરસેવો પડાવે તો નવાઈ નહીં.

કોઈપણ નિયમો બનાવતા પહેલા તેની અમલવારીને લઈને ચોક્કસ પણે વિચારવું જોઈએ પણ ટ્રાફિકના નવા નિયમો પૈકી કેટલીક જોગવાઈઓ એવી છે કે, તેના પર અમલ કરવો આજે તો ઠીક પણ આવનારા વર્ષોમાં પણ શક્ય નથી. ત્યારે નિયમો બનાવનારા જે તે શહેર અને જિલ્લાની ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને નિયમ બનાવવામાં આવે તો આ નિયમનો સુચારૂં અમલ વહીવટીતંત્ર માટે સહેલો બને અને આવા જ નિયમો લોકો પણ હર્ષ સાથે આવકારી શકે. નવા મોટરવાહન વ્હીકલ એક્ટની કેટલીક જોગવાઈઓ માત્ર વહીવટી તંત્ર જ નહીં સામાન્ય લોકોને પણ ગળે ઊતરે તેમ નથી ત્યારે આગામી દિવસોમાં આ નિયમો કેટલાક અસરકારક અને અર્થપૂર્ણ નીવડશે તે આવનારો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details