છેલ્લા બે દિવસથી કચ્છના ગાંધીધામમાં બહાર આવેલા મગફળી કૌભાંડને લઈને હવે સરકાર અને વિપક્ષ સામસામે આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કોંગ્રેસ પર સમગ્ર મામલાને લઈને રાજકારણ કરવાનો અને કોંગ્રેસમાં જે રાજકીય પરિસ્થિતિ પ્રવાહી થઈ રહી છે તેના પરથી ધ્યાન હટાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર પર મગફળી કૌભાંડમાં સરકારનો હાથ છે તેવા બિનપાયાદાર આક્ષેપો કરીને કોંગ્રેસ તેની હતાશા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, તેવું નિવેદન નીતિન પટેલે આપ્યું હતું.
મગફળી કૌભાંડ: નીતિન પટેલે આપેલી પ્રતિક્રિયા પર કોંગ્રેસનો વળતો જવાબ - Junagadh
જૂનાગઢઃ ગાંધીધામમાંથી બહાર આવેલા મગફળી કૌભાંડને લઈને નીતિન પટેલે કોંગ્રેસ પર કરેલા આક્ષેપનો પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના અધ્યક્ષે જવાબ આપ્યો છે. કોંગ્રેસ ગુજરાતમાં લોકોને પડી રહેલી મુશ્કેલીના મુદ્દા ઉઠાવીને વિપક્ષનું કામ કરી રહી છે. પરંતુ રાજ્ય સરકાર મગફળી કાંડના આરોપીઓને બચાવવાનું કામ કરી રહી છે તેને લઈને કટાક્ષ કર્યો હતો.
પાલ આંબલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને ભાજપ રાજકીય આશ્રય આપી રહી છે. જેને કારણે આજ દિન સુધી એક પણ આરોપીઓને પકડી પાડીને સજા થઈ હોય તેવું બહાર આવ્યું નથી. માટે કોંગ્રેસ રાજ્યમાં વિરોધ પક્ષમાં છે અને લોકોને તેમજ ખેડૂતોને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉઠાવીને એક સબળ વિવિધ પક્ષ તરીકેની કામગીરી રાજ્યમાં કરી રહી છે. પરંતુ ભાજપ શાસિત રાજ્ય સરકાર ખેડૂતોથી લઈને એક પણ મુદ્દા પર સફળ કે ખરી ઉતરી નથી. માટે રાજ્ય સરકાર નિષ્પક્ષ અને ન્યાયી ધોરણે કામ કરી આવા કૌભાંડીઓને સજા મળે તેવા પગલાં ઉઠાવીને વાસ્તવમાં એક સરકાર તરીકેની તેમની આબરૂ ગુજરાતમાં પ્રસ્થાપિત કરે તેવી માંગ કરી હતી.