જૂનાગઢઃ છેલ્લા કેટલાક દિવસથી ડુંગળી પકવતા ખેડૂતો અને ગ્રાહકો ડુંગળીની કિંમતોથી પરેશાન થઈ રહ્યા છે. હવે ડુંગળીની નિકાસકર્તાઓ પણ યોગ્ય સરકારી નીતિઓનો વાંક કાઢી રહ્યા છે. જો લાંબા સમય સુધી આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો માત્ર ખેડૂતવર્ગ જ નહિ પણ વેપારીઓ અને નિકાસકર્તાઓને પણ અસર થશે.
પહેલા ગ્રાહક હવે ખેડૂત, વેપારીઓને મુશ્કેલીઓઃ મહુવાથી ગોંડલ સુધીના પટ્ટામાં ડુંગળી પકવતા ખેડૂતો, નિકાસ કરતા વેપારીઓ હવે બેહદ પરેશાન થઈ રહ્યા છે. દિવાળી પૂર્વે ડુંગળીના બજાર ભાવ 80 રુપિયે પ્રતિ કિલો જોવા મળતા ગ્રાહકો મુશ્કેલીમાં હતા. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરતા હવે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં છે. જૂનાગઢના એગ્રો ઇકોનોમિક અને ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને સરકારની નીતિ અયોગ્ય હોવાના કારણે આ મડાગાંઠનો સામનો કરવો પડવાનું જણાવી રહ્યા છે.
સમસ્યા શું છે?: છેલ્લા એક દસકાથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ડુંગળીના બજાર ભાવોને લઈને પહેલા ગ્રાહકો અને ત્યારબાદ ખેડૂતો તકલીફ વેઠતા જોવા મળે છે. દિવાળી પૂર્વે રિટેલ બજારમાં ડુંગળીની માંગની સાથે પુરવઠો ન જળવાતા છૂટક બજારમાં બજારભાવો ઐતિહાસિક સ્તરે જોવા મળ્યા હતા. રિટેલ બજારમાં ડુંગળના કિંમતો પર કાબૂ મેળવવા કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસ બંધી લગાવી છે. આ નિર્ણયથી ડુંગળીની જથ્થાબંધ બજાર ખૂબ નીચે ઉતરી જાય છે જેને કારણે ખેડૂતો અને વેપારીઓને પરેશાની થઈ રહી છે. આમ, નિકાસબંધી પૂર્વે ડુંગળીના બજાર ભાવોથી ગ્રાહકો અને નિકાસબંધી બાદ જથ્થાબંધ બજાર ભાવોને લઈને ખેડૂતો પરેશાન બની રહ્યા છે. આ સમસ્યા છેલ્લા એક દસકાથી જોવા મળે છે, પણ તેનો કોઈ કાયમી ઉકેલ લવાતો નથી.
40થી 60 હજાર વાવેતર ખર્ચ પ્રતિ એક એકરઃ જૂનાગઢના એગ્રો ઈકોનોમિસ્ટ પણ ડુંગળીના બજાર ભાવોને લઈને ચિંતા છે. ચોમાસા દરમિયાન ખેડૂતોને એક એકર ડુંગળીના વાવેતર પાછળ અંદાજિત 50થી 60 હજારનો ખર્ચ થાય છે. ડુંગળી તૈયાર થતાં થોડા સમયમાં નિકાસબંધી લાગુ કરવામાં આવે છે. જેને કારણે જથ્થાબંધ બજાર તળીયે પહોંચી જાય છે. જેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા રૂપિયા પ્રતિ 20 કિલો ડુંગળીમાં મળી રહ્યા છે.